Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાજ્યની સાથે-સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કમળ સોળે કળાએ ખિલી ઉઠ્યું છે.જિલ્લાની બંને બેઠકો પર ભાજપનો વિજયરથ ફરી વળ્યો છે. રાજકારણમાં સિનિયર અને ઓછા બોલા નેતા તરીકે જાણીતા મુળુભાઇ ફરીથી વિધાનસભા ચૂંટણીમાં વિજેતા થતાં જિલ્લાનાં રાજકીય ક્ષેત્રે મોટો પલટો આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠક પર મુળુભાઇ બેરાનો જોરદાર વિજય થયો છે. ત્રિપાંખિયો જંગ હોવાં છતાં તેઓ 77,834 મતો અંકે કરી આ બેઠક પર નંબર વન સાબિત થયાં છે.
તેઓએ કોન્ગ્રેસના વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમને તો પરાજય આપ્યો જ છે, સાથે-સાથે બહુ ગાજનાર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદનાં ચહેરા એવાં ઈસુદાન ગઢવીને પણ પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. આ પ્રતિષ્ઠા ભરેલાં જંગમાં મુળુભાઇએ સાબિત કર્યું છે કે, રાજકારણમાં તેઓ આજે પણ સિનિયર અને ફીટ ખેલાડી છે. તેઓએ આ બેઠક પર 18,745 મતોની નોંધપાત્ર લીડ પણ હાંસલ કરી છે.
સામાન્ય રીતે, ત્રિપાંખિયો જંગ હોય ત્યારે હરીફો પર મોટી સરસાઈ મેળવવી આસાન નથી હોતી. જો કે મુળુભાઇનાં આ ઝળહળતાં વિજયમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો પણ સિંહફાળો છે. તેઓએ પ્રથમ વખત જાહેરમાં ભાજપાને સમર્થન કરી, વડાપ્રધાનનાં હાથ મજબૂત કરવા મતદારોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ પણ ખંભાળિયા ભાણવડ વિધાનસભા મતવિસ્તારમાં તથા આહિર સમાજમાં જબ્બર સમર્થન ધરાવતાં હોવા ઉપરાંત રાજકીય અનુભવનું ભાથું ધરાવતાં હોય, તેઓનો પણ આ વિજયમાં મોટો હિસ્સો રહ્યો છે.
દ્વારકા વિધાનસભા બેઠક પર પણ તેઓની વગ અસરકારક રહી છે અને ભાજપાને વધુ એક બેઠક મળી. દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર વિજય મેળવવામાં પૂનમબેનની કુનેહનો પાર્ટી તથા ઉમેદવારોને મોટો લાભ મળ્યો, એવું વર્તુળો જણાવે છે. ખંભાળિયા વિધાનસભા બેઠક પર બીજા ક્રમે રહેલાં ઈસુદાનને 59,089 અને ત્રીજા ક્રમે રહેલી કોન્ગ્રેસ પાર્ટીનાં ઉમેદવાર વિક્રમ માડમને 44,715 મતો મળ્યા છે.ઉમેદવારોના મતોના આંકડાઓમાં પોસ્ટલ બેલેટ મતોનો સમાવેશ થાય છે.
આ બેઠક પર નાનાં પક્ષો અને અપક્ષોને કુલ 5,797 મતો મળ્યા છે. કુલ 165 મત રદ્ થયાં છે. 2,582 મતદારોએ NOTA પર મતદાન કર્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભા બેઠકોની મતગણતરી જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં પોર ગેટ નજીકની SNDT હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેકને વિજયી જાહેર કરવામાં આવ્યા. તેઓને 74,018 મત મળ્યા. બીજા ક્રમે કોન્ગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયાને 68,691 મત મળ્યા. ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણ નકુમ 28,381 મતો ખેંચી જતાં પબુભા ફરી આ બેઠક જિતી શક્યા છે. આ બેઠક પર નાનાં પક્ષો અને અપક્ષોનાં કુલ ઉમેદવારો 10 હતાં. જેઓ પબુભાની લીડ કરતાં વધુ એટલે કે, 6,189 મતો મેળવી ગયા. આ બેઠક પર પોસ્ટલ બેલેટ મતદાનનો આંકડો 1,470 રહ્યો છે. ફાઈનલ પરિણામમાં NOTA નાં આંકડાનો ઉલ્લેખ જોવા મળ્યો નથી. ખરેખર તો NOTA માં એક પણ મત ન પડ્યો હોય તો, નીલ લખી તેનો ઉલ્લેખ નિયમો અનુસાર કરવો ફરજિયાત હોય છે.