Mysamachar.in-જામનગર
સમગ્ર ગુજરાતની સાથેસાથે જામનગરમાં પણ કેસરિયો વંટોળ ફૂંકાયો. જામનગર જિલ્લાની પાંચ પૈકીની જામનગર શહેરની બંને બેઠકો પર ભાજપનાં ઉમેદવારોએ વાવાઝોડું ફૂંકી દીધું. બંને ઉમેદવારોએ જબ્બર લીડ અંકે કરી છે.દિવ્યેશ અકબરી અને રીવાબા જાડેજા પ્રથમ વખત ધારાસભાની ચુંટણીના મેદાનમાં ઉતર્યા હતા પણ મતદારોએ તેમને ખોબલે ખોબલે વધાવી લીધા અને બન્ને ઉમેદવારોની જીત એવી તો થઇ કે સૌ જોતા રહી ગયા , અને વિપક્ષ કોંગ્રેસની ભૂંડી હાર થઇ છે.તે પરિણામ કહે છે.
પ્રથમ 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરનાં આંકડા જોઈએ. કાલે ગુરુવારે મતગણતરી ત્રણ વાગ્યા આસપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ હતી ત્યારબાદ રાત્રે 07/24 કલાકે જિલ્લા ચૂંટણી તંત્રએ આ બેઠકનાં ફાઈનલ આંકડાઓ જાહેર કર્યા. આ બેઠક પર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ 53,570 મતોની લીડ મેળવી. આ બેઠક પર બીજા ક્રમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહ્યા. કોન્ગ્રેસ ત્રીજા ક્રમે જતી રહી.
રિવાબા જાડેજાને 88,835 મતો મળ્યા. ‘આપ’ નાં ઉમેદવાર કરશન કરમૂરને 35,265 મત તથા કોન્ગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને માત્ર 23,274 મત પ્રાપ્ત થયાં. આમ આદમી પાર્ટી તથા કોન્ગ્રેસનાં ઉમેદવારોને મળેલાં કુલ મતો કરતાં પણ ઘણાં વધુ મતો વિજેતા ઉમેદવારને પ્રાપ્ત થયા. આ બેઠક પર ત્રણ મુખ્ય ઉમેદવારો ઉપરાંત આઠ અપક્ષો પણ હતાં. જો કે તેઓને મળેલાં મતોનાં આંકડા સાવ પરચૂરણ છે. બસપા અને અપક્ષો પૈકીનાં આ ઉમેદવારો પૈકી એક ઉમેદવારને 398 મત મળ્યા. બાકીનાં બધાં અપક્ષોને માત્ર 100-200 મત મળ્યા. આ બેઠક પર પોસ્ટલ મતોની સંખ્યા 1,367 રહી જયારે 2,444 મતદારોએ NOTA વિકલ્પ પસંદ કર્યો.
79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકનાં આંકડા જોઈએ તો, સમગ્ર હાલારમાં ભાજપાને સૌથી વધુ લીડ આ બેઠક પર મળી. આ બેઠક 1985 થી ભાજપાનાં કબજામાં છે. આ બેઠક પર મુખ્ય ત્રણ પક્ષો ઉપરાંત અન્ય અગિયાર ઉમેદવાર અપક્ષ તરીકે અથવા અન્ય નાનાં પક્ષનાં ઉમેદવારો તરીકે લડયા.આ બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીને 62,762 મતોની તોતિંગ લીડ મળી છે. જે અત્યાર સુધીની આપણાં જિલ્લાની સૌથી મોટી લીડ છે.
ભાજપાનાં ઉમેદવાર દિવ્યેશ અકબરીને 86,492 મત મળ્યા. કોન્ગ્રેસના મનોજ કથિરીયાને માત્ર 23,730 મત મળ્યા. કોન્ગ્રેસનું આ બેઠક પર મોટું ધોવાણ થયું. મતદારો કોન્ગ્રેસને મત આપવા બહાર શા માટે ન નીકળ્યા.? તે એક સવાલ અને રહસ્ય પણ લેખાવી શકાય ! આ આશ્ચર્ય ઘણાંને એટલાં માટે થાય છે કેમ કે, આ મતવિસ્તારમાં કોન્ગ્રેસ તરફી વલણ ધરાવતાં મતદારોની સંખ્યા હજારોમાં છે. તેઓની નિષ્ક્રિયતાએ વિજેતાને તોતિંગ લીડ અપાવી દીધી !
આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો તથા પાર્ટીનો સંપૂર્ણ રકાસ થયો. માત્ર કેજરીવાલનાં નામ પર તેનાં ઉમેદવારને 16,455 મત મળ્યા. આ ઉમેદવાર પસંદ કરવા પાછળ પાર્ટીનો આશય શું હતો ? એ પ્રશ્ન જાણકારો ઉપરાંત મતદારોને પણ સમજાતો નથી ! આ બેઠક પર પોસ્ટલ પર 671 મતો નોંધાયા છે તો નાનાં પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ 3,754 મત મેળવ્યા. આવા અગિયાર પૈકી માત્ર એક ઉમેદવારને ચાર આંકડામાં મત મળ્યા. બાકીનાં આંકડા પરચૂરણ રહ્યા. આ બેઠક પર NOTA માં 2,182 મત પડ્યા. આ બેઠકનું ફાઈનલ પરિણામ પણ તંત્ર દ્વારા રાત્રે 07/24 વાગ્યે જાહેર કરવામાં આવ્યું ! EVM મતગણતરીમાં બાર કલાક થતાં મતદારો પણ કંટાળી ગયા.