Mysamachar.in-ગુજરાત:
ચૂંટણી એક એવો વિષય છે જેમાં વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક સ્તરે પણ ખેલ પડતાં હોય છે ! ઘણાં નેતાઓ અને કાર્યકરો, પક્ષનાં સતાવાર ઉમેદવારો વિરૂદ્ધ અથવા પક્ષની માર્ગદર્શિકા ચાતરીને પણ, ચૂંટણીઓ સમયે કેટલીક પ્રવૃત્તિઓ કરતાં હોય છે. જો કે, પક્ષનું ચતુર સંગઠન આ બાબતો જાણતું જ હોય છે. રિપોર્ટ મળતાં જ હોય છે. આવાં રિપોર્ટ મઠારીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવતાં હોય છે અને દરેક ચૂંટણી પછી વિવિધ રાજકીય પક્ષોમાં કેટલાંક ઓપરેશનો વ્યૂહરચનાના ભાગરૂપે પણ થતાં હોય છે.
આ વખતે પણ એવું થશે ?! હા, એક રિપોર્ટ આમ જણાવે છે ! જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી તથા જૂનાગઢ સહિતના કેટલાંક જિલ્લાઓમાં આ ચૂંટણીમાં પણ કેટલાંક નેતાઓ અને કાર્યકરોએ પક્ષવિરોધી પ્રવૃતિઓ કરી છે. જેની જાણ પક્ષોએ પ્રદેશ નેતાગીરીને કરી દીધી હોય, પરિણામો બાદ કોન્ગ્રેસ અને ભાજપામાં ચોક્કસ પ્રકારની કાપકૂપ થશે એવી શક્યતા છે. કેટલાંક નેતાઓ અને કાર્યકરોને ચતુરાઈપૂર્વક સાઈડલાઈન કરી દેવામાં આવે, કેટલાંકને દાખલો બેસાડવા – સસ્પેન્ડ કરવામાં આવે, એવું પણ બની શકે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારના એકવીસ ‘નામો’ ની યાદી તૈયાર થઈ ગઈ છે ! આગામી સમયમાં નવાજૂનીની સંભાવનાઓ વધી રહી છે.