Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાએ પોતાના ચૂંટણી પ્રચારને ઘનિષ્ઠ બનાવ્યો છે. તેઓ એકએક મતદાર સુધી પહોંચી રહ્યા છે અને સર્વત્ર વાતાવરણ કેસરિયુ જોવા મળી રહ્યું છે. તેઓનાં ચૂંટણી પ્રચાર કાફલાને સમગ્ર જામજોધપુર અને લાલપુર પંથકમાં વ્યાપક આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.
ચીમનભાઈ શાપરિયાએ કાલે ગુરુવારે પોતાના ચૂંટણી પ્રચારનાં નવમા દિવસે લાલપુર તાલુકા મથક ઉપરાંત તાલુકાના ગામોમાં અને જામજોધપુર તાલુકાના સમાણા સહિતના ગામોમાં જબ્બર ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ તકે ભાજપાનાં પ્રદેશ અગ્રણીઓ, હાલારના સાંસદ અને સ્થાનિક આગેવાનો તથા સંખ્યાબંધ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં અને ચીમનભાઈને વિજયી બનાવવા કોલ આપ્યો હતો.
ચીમનભાઈ શાપરિયાએ કાલે ગુરુવારે લાલપુર તાલુકામથક ઉપરાંત તાલુકાના ખટીયા, ખડખંભાળિયા, મોટી વેરાવળ તથા ભણગોરમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત તેઓએ જામજોધપુર તાલુકાના માંડાસણ, બગધરા, સડોદર, દલદેવળીયા તથા સમાણા ગામની પણ મુલાકાત લીધી હતી.
આ ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળ્યું હતું કે, જામજોધપુર અને લાલપુર પંથક મક્કમ છે અને ભાજપાની સાથે જ રહેવા અડીખમ છે. વિકાસને વેગવંતો બનાવવા કેસરિયો પરચમ લહેરાવવા મતદારોમાં થનગનાટ જોવા મળે છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન ચીમનભાઈ શાપરિયાએ સૌને ડબલ એન્જિન સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. અને આ ચૂંટણીમાં વિકાસના કમળ ખીલવવા સૌને આહવાન કર્યું હતું. જામજોધપુર તથા લાલપુર પંથકમાં મતદારોએ ભાજપાને જિતાડવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ચીમનભાઈ શાપરિયાના સમર્થનમાં આ ચૂંટણી પ્રવાસ દરમિયાન પ્રદેશ ભાજપાનાં ઉપાધ્યક્ષ ડો ભરત બોઘરા, સામાજિક અગ્રણી જગદીશ કોટડિયા, ખોડલધામ કાગવડનાં પ્રમુખ પરેશ ગજેરા, હાલારના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ તથા જામનગર અને દ્વારકાનાં લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત જિલ્લા ભાજપાનાં હોદેદારો, અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
સાંસદ પૂનમબેન માડમે આ ચૂંટણી પ્રવાસ દરમિયાન ધૂનડામાં શ્રી હરિરામ બાપાનાં આશ્રમે કોળી, સગર તથા આહિર સમાજનાં અગ્રણીઓ સાથે અલગ અલગ બેઠકો પણ કરી હતી અને સૌ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, વડાપ્રધાનનાં ભવ્ય ભારતનાં સંકલ્પને પ્રબળતા આપવા લોકપ્રિય ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાને પ્રચંડ બહુમતિ અપાવી, ભરોસાની સરકારનું નિર્માણ કરવામાં આપ સૌને સહયોગી બનવા અનુરોધ કરવામાં આવે છે.
-ચીમનભાઈ શાપરિયાનો આજનો શુક્રવારનો ચુંટણી પ્રવાસ કાર્યક્રમ
જામજોધપુર-લાલપુર બેઠકનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયા આજે શુક્રવારે, ચૂંટણી પ્રવાસનાં સતત દસમા દિવસે વિધાનસભાનાં ગ્રામ્ય વિસ્તારો મોટા ખડબા, વાવડી, વિજયપુર, નાનાં ખડબા, મણિપુર, બાબરિયા, ચોરબેડી, બાઘલા,સાજડીયારી, રક્કા, નવા ધૂણિયા, માધુપુરા,મોટ પાંચસરા, વડ પાંચસરા, ગલ્લા, કરવામાં, મેમાણા, નવી વેરાવડ, આરીખાણા તથા મુરીલાના ચૂંટણી પ્રવાસમાં વ્યસ્ત છે. તેઓની સાથે પક્ષનાં જિલ્લાનાં હોદેદારો, આગેવાનો અને કાર્યકરો જોડાયા છે.
-આવતીકાલે શનિવારે દલિતસમાજનાં લોકો સાથે બેઠક
જામજોધપુર-લાલપુર વિધાનસભાનાં ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાના સમર્થનમાં આવતીકાલે શનિવારે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. શનિવારે તેઓ ભાજપાનાં કાર્યકરો સાથે તેમજ દલિતસમાજના લોકો સાથે શ્રેણીબદ્ધ બેઠકોને સંબોધશે. આ તકે ચીમનભાઈ શાપરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ બેઠકો લાલપુર આહીર સમાજ, લાલપુર નમો ભવન, શેઠવડાળા રામદેવજી મંદિર, બુટાવદર અમરાબાપા મંદિર તથા જામજોધપુર શાંતિનગર ખાતે યોજવામાં આવશે.