Mysamachar.in-ખંભાળિયા:
વિધાનસભાની ચૂંટણીઓ પોતાનો અસલી મિજાજ દેખાડી રહી છે. જામનગર-હાલાર પંથકની જ ખાલી વાત કરીએ તો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોન્ગ્રેસમાં સોપો પડી ગયો છે, કેમ કે – અહીં પક્ષ લગભગ ભાંગી ગયો, બહુ મોટું ભંગાણ પડ્યું. સેંકડો આગેવાનો અને કાર્યકરો ભાજપાનો ખેસ ધારણ કરી ચૂક્યા છે, જેને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં BJP ની બલ્લે બલ્લે જોવા મળી રહી છે !! કાલે શુક્રવારની રાત કોન્ગ્રેસ માટે કતલની રાત પૂરવાર થઈ !
વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો બધે જ જોવા મળી રહ્યો છે. મોટાં પ્રમાણમાં પક્ષપલટાથી ઘણી ઉલટફેર જોવા મળી રહી છે. ખંભાળિયા કોન્ગ્રેસમાં મોટું ભંગાણ જોવા મળે છે. કોન્ગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા સહિતનો ગોરિયા ડાયરો સેંકડો કાર્યકર્તાઓ સાથે કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યો છે. જેને કારણે ભાજપાની મજબૂતી ખૂબ જ વધી જવા પામી છે. સમગ્ર દ્વારકા જિલ્લામાં કોન્ગ્રેસમાં સોપો પડી ગયો છે. આ સાથે કોન્ગ્રેસના સંખ્યાબંધ સરપંચો અને સ્થાનિક આગેવાનો સહિત અંદાજે 1,100 જેટલાં કાર્યકરોએ ભાજપાનો ખેસ પહેરી લેતાં સપાટો જોવા મળી રહ્યો છે. ખંભાળિયા વિધાનસભા ચૂંટણીમાં ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરા પીઢ રાજકારણી છે. તેઓ નવેસરથી વધુ શક્તિશાળી બની મેદાનમાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ભગવતી હોલ ખાતે ભાજપાની ચૂંટણી સભા યોજાઈ હતી. જેમાં પક્ષનાં રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગની ઉપસ્થિતિમાં ઉમેદવાર મુળુભાઇ બેરાએ સૌને કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો. કોન્ગ્રેસનાં આ વિસ્તારના કદાવર નેતા, પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા સહિતનો તેઓનો આખો ડાયરો કેસરિયા ધારણ કરી ચૂક્યો હોય, આ વિસ્તારમાં નવાજૂની સર્જાઈ શકે છે. ગોરિયા પરિવાર સેંકડો ટેકેદારો ધરાવે છે. જે સૌએ કેસરિયો ખેસ પહેરી લેતાં હડકંપ મચી ગયો છે.
કોન્ગ્રેસના પૂર્વ ધારાસભ્ય મેરામણ મારખી ગોરિયા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ મિતલ જિતેન્દ્ર ગોરિયા, રેખા રામ ગોરિયા, તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ મશરી નારણ ગોરિયા, ભાટીયા માર્કેટ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર રામ દેશુર ગોરિયા, અન્ય પૂર્વ ડાયરેક્ટર જિતેન્દ્ર રામસી ગોરિયા તથા રાજ્યનાં પૂર્વ મહેસૂલ મંત્રીનાં પુત્ર દિલીપ જેશા ગોરિયા સહિતનાં સંખ્યાબંધ આગેવાનો અને કુલ 1,100 કાર્યકર્તાઓએ BJP માં પ્રવેશ લેતાં સૌને ચૂંટણી સભામાં આવકારવામાં આવ્યા હતાં. ખંભાળિયાની આ સભામાં યોગી સરકારનાં ધારાસભ્ય સુરેશ રાનાએ સૌ કોંગીજનોને આવકાર્યા. ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર કોંગ્રેસનો ગઢ લેખાય છે પરંતુ આ ભંગાણને કારણે આ પંથકમાં મોટી હલચલ મચી ગઈ છે.
ખંભાળિયામાં તો પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયાએ હજારો સમર્થકોની હાજરીમાં ઘોડા પર સવાર થઈ ભાજપામાં પ્રવેશ લેતાં આ એક મોટી ઇવેન્ટ બની જવા પામી હતી. તેઓની સાથે સ્થાનિક અગ્રણીઓ વિજય રાજ્યગુરુ, જયંતિ કછટીયા, માવજી નકુમ, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે મોટી સંખ્યામાં ભાજપામાં જોડાયા હતાં.
આ તકે મેરામણ ગોરિયાએ ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરાની પ્રશંસા કરતાં કહ્યું હતું અમારાં તરફથી ઓછામાં ઓછાં 15-20 હજાર મતો ભાજપાને પ્રાપ્ત થશે. ખંભાળિયા તથા ગુજરાતમાં ભાજપાનો ભવ્ય વિજય થશે અને ઓછામાં ઓછી 135 બેઠકો સાથે ભાજપા સરકાર રચાશે. 2014 ની પેટાચૂંટણીમાં મેરામણ ગોરિયા વિજયી થયાં હતાં, જે અત્રે ઉલ્લેખનીય છે. તેઓ આ પંથકમાં અદભૂત લોકચાહના ધરાવે છે, તેઓનાં આગમનથી ભાજપાની સ્થિતિ ખંભાળિયા બેઠક પર વધુ મજબૂત બની છે.