Mysamachar.in-જામનગર:
ચૂંટણીને સરકારી ભાષામાં લોકશાહીનું પર્વ લેખાવવામાં આવે છે. અને, આમ સામાન્ય રીતે વિચારીએ તો પણ ચૂંટણી મતદારો માટે એક મોકો તો છે જ, ‘ મન કી બાત ‘ પ્રગટ કરવાનો. આમ છતાં, જામનગરમાં વાતાવરણ કાંઈક અલગ છે. અહીં બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના જીલ્લાના નેતાઓ અને કાર્યકરોને જાણે કે, ધરાર બધું કરવું પડતું હોય એવું દેખાઈ રહ્યું છે ! બીજી બાજુ, મતદારો પણ અત્યાર સુધીમાં સૌનાં એકસ-રે નો અભ્યાસ કરી ચૂક્યા છે, જેને કારણે સર્વત્ર એક અજીબ સન્નાટો હોય તેવું દેખાઈ રહ્યું છે, જાણે કે ચૂંટણી એક આવી પડેલો ધરાર પ્રસંગ ! સૌએ પરાણે હસતાં મોઢા રાખવા પડતાં હોય, એ સ્થિતિમાં મતદારો પણ હાલ શાંત છે. જાનના ગાડામાં સૌ બેઠાં છે પરંતુ ઉમંગનો અભાવ અભાવ સૌને અજીબ અનુભવમાંથી પસાર થવા મજબૂર કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે !
એક રીતે જોઈએ તો, આ પ્રકારની સ્થિતિ અચાનક પેદાં નથી થઈ, તેની પાછળ કારણભૂત છે પાછલો સમય. સમાજનો મોટો વર્ગ ઘણાં સમયથી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, સરકારી કામોમાં વિલંબ અને પોતે લાંબા સમયથી નેતાઓ અને પક્ષો તરફથી ઉપેક્ષિત હોવાની લાગણી જેવાં અનેક પરિબળોનો ઘેરો સામનો કરી રહ્યો છે. એમાં પણ કોરોનાકાળ અને તે પછીનાં સમયમાં મતદારો પોતાને ‘ અનાથ ‘ ફીલ કરી રહ્યા છે ! તેઓને હ્રદયમાં ઉંડો આઘાત લાગ્યો છે કે, શાસકો અથવા વિપક્ષ, કોઈ આપણું નથી ! આપણે માત્ર મતદારો છીએ ! જેને સૌ પોતાનાં સ્વાર્થ ખાતર ઉપયોગમાં લઈ રહ્યા છે. વિપક્ષ પણ આપણી વેદનાઓનો આક્રમક અને અસરકારક પડઘો પાડવામાં સફળ થયો નથી ! સરવાળે મતદાર પોતાને બિચારો સમજવા લાગ્યો છે.
આ સ્થિતિ સાથે સાથે, બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પણ જાણે કે, ચૂંટણી લડવાનો અભિનય માત્ર કરી રહ્યા છે ! તેઓ ધરાર હસતાં મોઢા રાખી રહ્યા છે ! તેઓમાં પણ ઉત્સાહ અને ઉમંગની કમી છે. લડવા કે જિતવાનુ કોઈ ઝનૂન ક્યાંય પણ જોવા મળતું નથી ! જેને કારણે પાંખા મતદાનની શક્યતાઓ તેજ બની રહી હોય, નેતાઓ અને કાર્યકરો અકળામણ અનુભવે છે અને ‘ શું થશે ?! ‘ એવો ડર પણ અનુભવી રહ્યા છે. ક્યાંય ઝંઝાવાતી પ્રચાર જોવા મળતો નથી. ક્યાંય, કોઈ ‘ પવન ‘ કે મોજું નથી ! જાણે કે, સૌ સ્તબ્ધ ! અનિશ્ચિત ભવિષ્ય સૌને ચિંતામાં ડૂબાડી રહ્યું છે. ક્યાંય કોઈ ઝંઝાવાત કે જાનના ગાડામાં બેઠાનો ‘ હરખ ‘ જોવા મળતો નથી ! લગનગીતો દબાતા સૂરે કોઈ કોઈ ગાઈ રહ્યું છે, બાકીનાં મોટાભાગના જાનૈયાઓ માત્ર હોઠ ફફડાવી રહ્યા છે – મંગળિયા વર્તાઈ ન રહ્યા હોય, સર્વત્ર અજીબ સ્થિતિ છે. પહેલી ડિસેમ્બરે શું થશે ?! તે પ્રશ્નનો જવાબ કદાચ અત્યારે કોઈ પાસે નથી ! આખરી દિવસોમાં વાતાવરણ પલટી જશે, એવો આશાવાદ અત્યારે તો પાતળો જણાઈ રહ્યો છે. જોઈએ હવે, આગળ ઉપર શું શું થાય છે ?!