Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
કાળિયા ઠાકોરની કૃપા જગતભરમાં વખણાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 વિધાનસભા બેઠકોનાં ચારેય મુખ્ય ઉમેદવારો આવી અદભૂત કૃપા એન્જોય કરી રહ્યા છે. કરોડો રૂપિયા કમાવા છતાં તેઓ ભગવાન દ્વારકાધીશના આશિર્વાદને કારણે નિષ્કલંક રહી શક્યા છે, એવું તેઓનાં ચૂંટણી ઉમેદવારી સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લામાં હતો ત્યારે અને આજે પણ ઘણી બધી બાબતો માટે જાણીતો છે. આ ભૂમિ કાળિયા ઠાકોરની હોવાને કારણે આપણે નકારાત્મક સોચવિચાર અત્રે ન કરવા જોઈએ કેમ કે, અત્રે આપણે માત્ર ચૂંટણી ઉમેદવારી સોગંદનામાઓ પૂરતી જ વાત કરીએ છીએ. આ જિલ્લો બે વિધાનસભા બેઠક ધરાવે છે, એક 81-ખંભાળિયા-ભાણવડ વિધાનસભા અને બીજી 82-દ્વારકા-કલ્યાણપુર વિધાનસભા બેઠક. આ બે બેઠકોનાં ભાજપા અને કોન્ગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ સોગંદનામામાં શું શું લખ્યું છે ? તે થોડાં વિસ્તારથી જાણીએ.
આ બે બેઠકો પૈકી ખંભાળિયા બેઠક પર જૂનાં જોગી મુળુભાઇ બેરાને વધુ એક વખત મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શાસકપક્ષ ઉપરાંત તેઓ પર મહાકાય કંપની પણ આશિર્વાદ વરસાવી ચૂકી છે. તેઓ લાંબી રાજકીય કારકિર્દી ધરાવે છે, અને તેઓની બિઝનેસ કોઠાસૂઝ પણ લોકોમાં હંમેશા પ્રશંસાપાત્ર રહી છે. તેઓએ ચૂંટણી સોગંદનામામાં પાંચ વર્ષનાં વાર્ષિક આવક રિટર્ન આપવાને બદલે, ચાર વર્ષનાં રિટર્ન આપ્યા છે તેથી ઘણાંને એ પણ પ્રશ્ન થાય કે તેઓ ચાર જ વર્ષથી રિટર્ન ભરી રહ્યા છે ?! અગાઉની તેઓની આવક કરમુક્ત હશે, એવું પણ આપણે વિચારી શકીએ. તેઓ સફળ બિઝનેસમેન અને ખેડૂત છે પરંતુ રિટર્ન મુજબ તેઓની વાર્ષિક આવક પ્રમાણમાં ઘણી ઓછી છે.
આ મોંઘવારીમાં પણ તેઓનું છેલ્લું રિટર્ન માત્ર રૂ. બે લાખ રૂપરડીનું છે ! તેમનાં એક પુત્રએ પાછલાં બે વર્ષથી રિટર્ન ફાઇલ કરવાની જહેમત ઉઠાવી છે. આ રિટર્ન પાંચેક લાખની વાર્ષિક આવક દેખાડે છે. મુળુભાઇનાં બીજાં પુત્રએ વર્ષ 2020/21 દરમિયાન એક વખત રિટર્ન ફાઇલ કર્યું હતું જેમાં રૂ.અઢી લાખથી નીચેની આવક દર્શાવી હતી. ચૂંટણી સોગંદનામું કહે છે: મુળુભાઇ પર એક પણ પોલીસ કેસ હાલ નથી. મુળુભાઇ પાસે વાહન નથી. તેઓનાં સમગ્ર પરિવારમાં એક જ વાહન છે, નાનાં દીકરા સંદીપ પાસે પાંચેક વર્ષ જૂનું એક્સેસ. મુળુભાઇ રોકડ-થાપણ- સોનું વગેરે મળી કુલ રૂ. 63,56,326 ની જંગમ મિલકત ધરાવે છે. તેઓનાં પત્ની રૂ. 5,58,311 અને મોટો પુત્ર હર્ષદ રૂ. 15,98,438 ની તથા નાનો પુત્ર રૂ. 96,304ની જંગમ મિલકતો ધરાવે છે. સમગ્ર પરિવારની જંગમ મિલકત ગણીએ તો પણ એક કરોડનાં આંકે પહોંચી નથી.
જો કે, મુળુભાઇ બેરા રૂ. 4 કરોડ 54 લાખનાં મૂલ્યની સ્થાવર મિલકત ધરાવે છે. જેમાં ખેતી તથા રહેણાંકનો સમાવેશ થાય છે. તેઓનાં પત્ની પાસે રૂ. 13,50,000 ની તથા પુત્ર પાસે રૂ. 40,00,000 ની સ્થાવર મિલકત સોગંદનામામાં દર્શાવવામાં આવી છે. દસ ધોરણ ભણેલા અને પાટનગરમાં નિવાસસ્થાન ધરાવતાં મુળુભાઇએ રૂ.2,82,478નું પાકધિરાણલીધું છે, જે લોન જવાબદારી તરીકે દર્શાવવામાં આવ્યું છે.
ખંભાળિયા બેઠક પર તેઓની સામે પીઢ કોંગ્રેસી નેતા વિક્રમ માડમ આ વખતે પણ મેદાનમાં છે. આ બેઠક પરનાં ધારાસભ્ય વિક્રમ માડમે 2017/18 માં રૂ. 10,18,120 ની વાર્ષિક આવક આવકવેરા રિટર્નમાં જાહેર કરેલી અને છેલ્લાં રિટર્નમાં તેઓની વાર્ષિક આવક રૂ. 47,82,020 દર્શાવવામાં આવી છે. તેઓનાં પત્નીનાં પાંચ વર્ષ પહેલાંનાં રિટર્નમાં વાર્ષિક આવક રૂ. 2,16,260 અને તાજેતરનાં છેલ્લાં રિટર્નમાં વાર્ષિક આવક રૂ. 23,10,050 જાહેર કરવામાં આવી છે. આ ઉમેદવાર પર પણ હાલ એકેય પોલીસ કેસ નથી. તેઓની પાસે 150 ગ્રામ અને તેઓનાં પત્ની પાસે 800 ગ્રામ સોનું છે. રોકડ, સોનું, રોકાણ તથા વાહનો બધું મળી તેઓ પાસે રૂ. 1,89,45,324 ની અને તેઓનાં પત્ની પાસે રૂ. 48,24,129 ની જંગમ મિલકતો છે.
જામનગરની ડીકેવી કોલેજમાં રાજયશાસ્ત્રનાં પાઠ ભણી સ્નાતકની ડિગ્રી મેળવનાર વિક્રમ માડમ તથા તેઓનાં પત્ની ખેતી, બાંધકામ, પગાર, ભાડાં તથા બેંક વ્યાજની આવકો ધરાવે છે. ઉમેદવાર પોતે રૂ.3,64,00,000 ની તથા તેઓનાં પત્ની રૂ. 1,19,07,200 ની ખેતી-બિનખેતી જમીનો અને મિલ્કતો ધરાવે છે. કોઈ પણ પ્રકારનું સરકારી દેણું ન ધરાવતાં આ ઉમેદવાર રૂ. 23,13,025 ની તથા તેઓનાં પત્ની રૂ. 18,41,100 ની લોન જવાબદારીઓ ધરાવે છે.
હવે આપણે દ્વારકાધીશનાં ધામ તરફ જઈએ. 82-દ્વારકા-કલ્યાણપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માણેક છે અને તેઓની સામે આ વખતે કોન્ગ્રેસના ઉમેદવાર તરીકે મુળુભાઇ કંડોરિયા છે. મુળુભાઇ કંડોરિયા ગત્ લોકસભા ચૂંટણી પણ લડેલા પણ તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.બાદમાં ફરી ચૂંટણી આવતા તેવો મેદાને આવ્યા છે.
ઓખા પોર્ટની પ્રાથમિક શાળામાં માત્ર ત્રણ ધોરણ ભણેલા પબુભા ખૂબ જ ગણેલા છે. કોઠાઓ ભેદવાની સૂઝ- કોઠાસૂઝ ધરાવતા પબુભા પાસે ખેતીની જમીન, પ્લોટસ, કોમર્શિયલ મિલ્કતો તથા ફ્લેટ્સ વગેરે મળી કુલ રૂ. 82 કરોડ 5 લાખથી વધુની સ્થાવર મિલકત છે. તેઓનાં પત્ની પાસે પણ રૂ. 4,51,20,250 ની સ્થાવર મિલકત છે.66 વર્ષીય પબુભાએ વર્ષ 2017/18 માં વાર્ષિક આવકવેરા રિટર્ન માં રૂ. 1,67,09,256 ની તથા તાજેતરના છેલ્લાં રિટર્ન માં રૂ. 5,48,22,395 ની વાર્ષિક આવક જાહેર કરી છે. વિશાળ ધંધાકીય પથારો ધરાવતા આ ઉમેદવાર આ વિધાનસભા બેઠક પર લાંબા સમયથી કબજો ધરાવે છે. જો કે, આ વખતે ત્રિપાંખિયો જંગ હોવાથી પરિણામ અલગ પણ આવી શકે. ઉમેદવારનાં પત્નીનાં 2017/18 નાં રિટર્ન માં વાર્ષિક આવક રૂ. 8,97,735 તથા 2021/22ના વર્ષમાં આ આવક રૂ. 8,53,338 દર્શાવવામાં આવી છે. તેઓ સંયુક્ત પરિવારની આવક સંદર્ભે પણ વાર્ષિક રિટર્ન ફાઇલ કરે છે. તેમાં જો કે સામાન્ય આવક દર્શાવવામાં આવી છે.
આ પંથકમાં વર્ષોથી વિશાળ રાજકીય અને આર્થિક સામ્રાજ્ય ધરાવતા પબુભા પણ આ જિલ્લાના અન્ય ઉમેદવારોની માફક પોલીસચોપડે, તાજેતરનાં સોગંદનામા મુજબ નિષ્કલંક છે. હાથ પર તથા બેંકોમાં રોકડ, થાપણ, શેર, બચતપત્રો, મર્સિડીઝ કાર તથા સોનું અને ચાંદી વગેરે મળી તેઓ રૂ. 26 કરોડ 91લાખ 44,213 ની જંગમ મિલકતો ધરાવે છે. તેઓની પાસે 297 ગ્રામ સોનું અને 9,500 ગ્રામ ચાંદી છે. તેઓનાં પત્ની પાસે 1,140 ગ્રામ સોનું અને 9,500 ગ્રામ ચાંદી છે. ડેવલોપર, રોડલાઇન્સ, શિપિંગ તથા પેટ્રોલપંપ વગેરે વ્યવસાયમાં હિતો ધરાવતાં પબુભા પાસે ખેતીની જમીનો પણ છે. તેઓ રૂ. 1,22,31,049 ની તથા તેઓનાં પત્ની રૂ. 41,35,251 ની લોન જવાબદારીઓ ધરાવે છે.
પબુભા સામે ચૂંટણી લડી રહેલાં મુળુભાઇ કંડોરિયા પણ કોંગ્રેસના નેતા અને બિઝનેસમેન છે. તેઓનાં સમગ્ર પરિવારમાં વાહનનાં નામે એક માત્ર ટ્રેક્ટર છે ! આ ટ્રેક્ટરની મદદથી તેઓ ખેતી ઉપરાંત રાજકારણ અને મોટો બિઝનેસ એમ બધું જ ‘ ખેડી’ રહ્યા છે. આ આવડત ઓછી તો ન જ લેખાય. કોન્ગ્રેસના આ ઉમેદવારે 2017/18 નાં રિટર્ન માં રૂ. 16,16,028 ની તથા છેલ્લાં રિટર્ન માં રૂ. 25,36,920 ની વાર્ષિક આવક જાહેર કરી છે. તેઓનાં પત્ની મેણીબેને 2017/18 માં રૂ. 28,06,375 નું વાર્ષિક રિટર્ન ફાઇલ કરેલું. છેલ્લાં રિટર્ન માં તેઓની વાર્ષિક આવક રૂ. 34,82,250 દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત HUF રિટર્ન માં 2017/18 માં રૂ. 11,58,84,624 ની તથા છેલ્લા રિટર્નમાં રૂ. 70,10,670 ની વાર્ષિક આવક દર્શાવવામાં આવી છે. આ ઉમેદવાર પર પણ હાલ એકેય પોલીસ કેસ નથી.
ઉમેદવાર રૂ. 6,54,79,253 ની જંગમ મિલકતો ધરાવે છે. તેઓનાં પત્ની પાસે રૂ. 3,19,48,839 ની જંગમ મિલકતો છે. અને, તેઓનો પરિવાર(HUF) રૂ. 9,36,88,397 ની જંગમ મિલકતો (સોનું, રોકડ, શેર, થાપણ,લોન વગેરે)ધરાવે છે. પરંતુ આ ઉમેદવાર પાસે વાહન તથા સોનું નથી. આ ઉમેદવાર ખેતી તથા બિનખેતીની જમીનો ધરાવે છે. તેઓની પાસે રૂ. 31,34,01,000 ની સ્થાવર મિલકત, તેઓનાં પત્ની પાસે રૂ.11,04,50,000 ની સ્થાવર મિલકત તથા HUFની રૂ. 27,10,83,000 ની સ્થાવર મિલકત ધરાવે છે. ઉમેદવાર પર રૂ.10,64,30,152 ની લોન જવાબદારી છે. તેઓનાં પત્ની પણ રૂ. 50,66,683 ની લોન તેમજ HUF(પરિવાર) રૂ. 17,56,112 ની લોન જવાબદારી ધરાવે છે. આ ઉમેદવાર દ્વારકાનાં મતદાર છે અને જામનગરમાં રહેણાંક ધરાવે છે.