Mysamachar.in-જામનગર:
ચૂંટણી લોકશાહીનું પર્વ છે, એ સરકારી ભાષા છે, અને આમ જૂઓ તો ચૂંટણી એક જાતની મોજ પણ છે. એય ને ચર્ચાઓની બઘડાટી અને જાત-જાતની ઓછી જાણીતી વિગતો કાનોકાન હજારો લોકો સુધી પહોંચતા માહિતીઓની સનસનાટી, ચૂંટણીના દિવસોમાં સૌ હળવાં મને માણતાં રહેતાં હોય છે. અત્રે ચૂંટણી ઉમેદવારોનાં સોગંદનામાંઓની કેટલીક વાતો લખવામાં આવી છે, આ ઉમેદવારો છે જામનગર જિલ્લાની કુલ ત્રણ વિધાનસભા બેઠકો પરનાં બે મુખ્ય પક્ષોનાં છ નેતાઓ.જામનગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પૈકી
76-કાલાવડ વિધાનસભા બેઠક પરનાં શાસકપક્ષના ઉમેદવાર મેઘજી ચાવડા રાજ્યનાં પાટનગરમાં રહેવાનું સદભાગ્ય દસેક વર્ષથી માણી રહ્યા છે, હાલમાં ચૂંટણી હોય તેઓએ મતવિસ્તારમાં મુકામ રાખવો પડ્યો છે , ખેડૂત અને કમિશન એજન્ટ તરીકેની વાર્ષિક પાંચ-સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતાં આ ઉમેદવારનાં પત્ની સ્ટુડિયોની વાર્ષિક ચારેક લાખ રૂપિયાની આવક ધરાવે છે એવું આ દંપતિના ઈન્કમટેકસ રિટર્ન જણાવે છે, જેનાં આંકડા ચૂંટણી સોગંદનામામાં દર્શાવવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનો પોલીસ રેકર્ડ ન ધરાવતાં આ પૂર્વ ધારાસભ્ય રોકડ, બેંક ખાતાં, વાહન અને દાગીના સહિતની કુલ રૂ. 31,20,220 ની જંગમ મિલકતો ઉપરાંત રૂ. 77લાખની ખેતીની જમીન પણ ધરાવે છે. તેઓ ગાંધીનગરમાં ‘ રાજકીય ખેતી ‘ કરે છે જેનાં પાકરૂપે તેઓ ફરી વખત વિધાનસભાની ટિકિટ મેળવી શક્યા છે, જો કે તેમનો વિરોધ પક્ષમાંથી જ ઉઠ્યો છે ! અને તેઓનાં પત્ની રૂ. 23 લાખની સ્થાવર મિલકત ધરાવે છે. તેઓ તથા તેઓનાં પત્ની કુલ રૂ. 33/34 લાખની લોન જવાબદારી પણ ધરાવે છે. આ ઉમેદવારનાં સોગંદનામામાં કોઈ ધ્યાનાકર્ષક મુદ્દો ગેરહાજર છે.
તેઓની સામે કોન્ગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય પ્રવિણ મુસડીયા છે, જેઓ ફરીથી ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે પરંતુ ધારાસભ્ય તરીકેનું ટેગ તેઓ જાળવી શકશે કે કેમ ?! તે સવાલનો જવાબ આવતાં હજુ સમય લાગશે. તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે તેઓની વાર્ષિક આવક ( આવકવેરા રિટર્ન મુજબ) રૂ. 2,96,564 હતી જે વર્ષ 2021/22માં વધીને રૂ. 15,43,857 થવા પામી છે. પાંચ વર્ષ દરમિયાન પાંચેક ગણી આવક વધે તે બાબત મોંઘવારીનાં યુગમાં આશ્વાસન આપનારી લેખાય. એમ તો તેઓ પાસે રૂ. ચોવીસેક લાખની જંગમ મિલકત ઉપરાંત રૂ. સાડા ત્રણ લાખની સ્થાવર મિલકત છે. તેઓનાં પત્ની પાસે રૂ. સાડા પાંચ લાખની જંગમ અને રૂ. 20,73,000 ની સ્થાવર મિલકત છે. તેઓ હાઉસિંગ લોનની જવાબદારી ધરાવે છે. વકીલાતની ડિગ્રી ધરાવતાં કોન્ગ્રેસના આ ઉમેદવાર દલીલોનાં જાણકાર છે અને મતદારોને સમજાવી લેવામાં પણ માહિર છે. આ વખતે તેઓ મતદારોને વધુ એક વખત ‘ સમજાવી’ શકશે કે કેમ ? તે પ્રશ્નનો જવાબ આગામી આઠમી ડિસેમ્બરે જ મળી શકશે.
77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરનાં શાસકપક્ષના ઉમેદવાર રાઘવજી પટેલ નોંધપાત્ર લંબાઈ અને મોટું રાજકીય કદ ધરાવતાં આ ઉમેદવાર ગુજરાતનાં લગભગ તમામ પક્ષોનાં સારાં અને નરસાં પાસાંઓ સારી પેઠે જાણે છે ! કેમ કે, બધાં પક્ષોમાં આંટોપાણી માણી છેલ્લે તેઓએ કેસરિયાં કર્યા હતાં. ટિકીટમાં કપાતાં બચી ગયેલાં આ ઉમેદવાર પર એક પણ FIR હાલ નથી પરંતુ ગત્ વર્ષે તેઓ વિરુદ્ધ થયેલો એટ્રોસિટીનો એક કેસ રાજયની વડી અદાલત સુધી પહોંચ્યા પછી, અદાલતનાં આદેશને કારણે હાલ ‘ થીજેલો ‘ પડયો છે, એમ રાઘવજી પટેલનું ચૂંટણી પંચ સમક્ષનું સોગંદનામું કહે છે. જો કે તેઓનાં મતે, આ ફરિયાદ ખોટી છે. આ મુદ્દે તેઓ કલેકટર કચેરીએ આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે. હાઈકોર્ટે જો કે આ કેસ ચલાવવા પર હાલ સ્ટે ફરમાવેલો છે.
M.A. સુધી ભણેલાં અને વિવિધ રાજકીય પક્ષોમાં સારી પેઠે પાઠો ગણેલા આ ઉમેદવારની વાર્ષિક આવક પાછલાં પાંચ વર્ષમાં ચાર ગણી પણ નથી થવા પામી. તેઓ સેવામાં વધુ સમય વિતાવતાં હોવાનું તેઓનાં ઈન્કમટેકસ રિટર્ન પરથી દેખાઈ રહ્યું છે. 2017/18 માં તેઓની વાર્ષિક આવક રૂ. છ લાખ આસપાસ હતી. અને, વર્ષ 2021/22 માં તેઓએ રિટર્નમાં વાર્ષિક આવક રૂ. 23લાખથી સહેજ વધુ દેખાડી છે. ચૂંટણીમાં પણ તેઓનો હાથ બંધાયેલો જ રહેશે ?! એવી ચર્ચા કાર્યકરો સહિત સૌ સંબંધિતોમાં શરૂ થઈ ગઈ છે ! કાર્યકરોને સામાન્ય રીતે ભજિયાંની મોજ ચૂંટણીમાં બહુ પ્રિય હોય છે.
તેઓની ( સોનું, રોકડ, બેંક થાપણો વગેરે) જંગમ મિલકત માંડ માંડ રૂ. 1 કરોડનાં આંકે પહોંચી છે. તેઓનાં પત્ની પાસે જંગમ મિલકતો તરીકે રૂ. 47,33,760 નાં સોનું તથા રોકડ વગેરે છે. અને, પરિવારની સંયુક્ત જંગમ મિલકત રૂ. 31 લાખ આસપાસ જાહેર થઈ છે. તેઓ રૂ. 2કરોડ 20 લાખની બજારકિંમતની વિવિધ જમીનો અને બાંધકામ ધરાવે છે. અને રૂ. પચ્ચીસેક લાખથી સહેજ વધુના વિવિધ પ્રકારના દેણા ધરાવે છે. તેઓએ સોગંદનામામાં ખેતી અને વેપારની આવક દર્શાવી છે, તેઓનાં પત્ની માત્ર ગૃહકાર્ય સંભાળે છે. જો કે ઈન્કમટેકસ રિટર્ન તો તેઓ પણ નિયમિત ભરે છે.
આ વિધાનસભા બેઠક હાલ ભારે ચર્ચામાં છે. કેમ કે, અહીંનો ચાર પાંખિયો જંગ કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય આઠમી ડિસેમ્બરે જન્માવી શકે છે ! અને, આમ જૂઓ તો આ વિસ્તારનાં મતદારો શાસકપક્ષ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતાં નથી એવું ભૂતકાળમાં પણ જોવા મળ્યું છે. પેટાચૂંટણી સુધીની તડજોડ ન થઈ હોત તો, આજે પણ આ બેઠક અન્ય પક્ષનાં કબજામાં હોત.
77-જામનગર ગ્રામ્ય બેઠક પર આ વખતે કોન્ગ્રેસના ઉમેદવાર જીવણ કુંભરવાડીયા છે, જેઓએ ગત્ વિધાનસભા ચૂંટણીમાં 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર પરાજ્ય ગળે લગાડવો પડ્યો હતો. અને આ વખતે તો, કોન્ગ્રેસ પાર્ટી આ બેઠક પર તૂટી પણ છે ! આ સ્થિતિમાં કોને, કેટલાં મતો મળી શકે ? એ અનુમાન પણ અઘરૂં દેખાઈ રહ્યું છે. કોન્ગ્રેસ આ બેઠક કેવી રીતે જિતી શકે ?! એ પ્રશ્ન હાલ ભારે ચર્ચામાં છે.
કોન્ગ્રેસનાં આ ઉમેદવાર બાવન વર્ષનાં છે અને મહિને એકાદ લાખ જેટલી આવક ધરાવતાં હોવાનું તેઓનાં ઈન્કમટેકસ રિટર્ન પરથી દેખાઈ રહ્યું છે. તેઓનાં પત્ની પણ વાર્ષિક દસેક લાખ રૂપિયાની આવક ધરાવે છે. પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, ખેતીની આવકો ધરાવતાં આ ઉમેદવારનાં પત્ની નોકરીની આવક ધરાવે છે.
સરકારી તંત્રની ખૂબી જૂઓ: આ ઉમેદવાર પર 1999 ની સાલમાં આમરણ વિજય સરઘસ સંબંધી એક કેસ નોંધાયો હતો, 23 વર્ષથી આ કેસમાં ચાર્જશીટ દાખલ થયું નથી. આ ઉમેદવાર રૂ. 7,50,000 નાં મૂલ્યનું અને તેઓનાં પત્ની રૂ. 25 લાખનાં મૂલ્યનું સોનું ધરાવે છે. ઉમેદવારની રોકડ તથા વાહન સહિતની કુલ જંગમ મિલકત રૂ. 1,72,78,389 ની છે, જ્યારે તેઓનાં પત્નીનાં નામે કુલ રૂ. 77,91,631 ની દાગીના સહિતની જંગમ મિલકતો નોંધાયેલી હોવાનું તેઓનાં સોગંદનામાં માં દર્શાવવામાં આવ્યું છે.
ખેતીની રૂ. 144લાખની જમીન સહિત કુલ રૂ. 4,24,84,940 ની સ્થાવર મિલકત ધરાવતાં આ ઉમેદવારનાં પત્ની પણ રૂ. સાતેક લાખની કિંમતની સ્થાવર મિલકત ધરાવે છે. જીવણ કુંભરવાડીયા પાસે વિદેશી બ્રાન્ડની વેબલી સ્કોટ રિવોલ્વર છે, જેનો પરવાનો પણ છે. તેઓ વિવિધ પ્રકારની કુલ રૂ. 1,31,55,322 ની લોન જવાબદારી ધરાવે છે. જો કે સરકારી દેણા નીલ છે. તેઓએ ગાંધીનગરથી પોતાની બેચલરની ડિગ્રી હાંસલ કરી છે. આ ચૂંટણીમાં તેઓ વિજય પ્રાપ્ત કરી શકશે ? ચાર પાંખિયા જંગમાં કોંગ્રેસનો વિજય શક્ય છે ?! વગેરે ચર્ચાઓ જોરદાર રીતે ચાલી રહી છે.
હવે આપણે 80-જામજોધપુર વિધાનસભા બેઠક માટેનાં ભાજપા અને કોન્ગ્રેસના ઉમેદવારોનાં ચૂંટણી સોગંદનામામાં શું શું જાહેર કરવામાં આવ્યું છે ? તે જોઈએ.
શાસકપક્ષનાં ઉમેદવાર ચીમન શાપરિયાનો પોલીસ રેકર્ડ અન્ય કેટલાંક ઉમેદવારોની માફક ચોખ્ખો છે. પરંતુ તેઓનાં સોગંદનામાંમાં ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, તેઓ તોતિંગ આર્થિક ખોટ સહન કરી લેવાની મજબૂત ક્ષમતા ધરાવે છે ! તેઓએ પાછલાં ત્રણ વર્ષ દરમિયાન અંદાજે રૂ. 72 લાખની નુકસાની ( એટલે કે, માઈનસ આવક) પોતાના ઈન્કમટેકસ રિટર્નમાં દર્શાવી છે. એટલું જ નહીં, તેઓનાં પત્ની પણ નુકસાની સહન કરવાની શક્તિ ધરાવે છે. શીલાકુમારી નામ ધરાવતાં ચીમન શાપરિયાના પત્નીએ પાછલાં ત્રણ વર્ષ દરમિયાન પતિ કરતાં પણ વધુ આર્થિક નુકસાની ખમી છે ! તેઓનો આ ત્રણ વર્ષનો નુકસાનીનો આંકડો રૂ. 82 લાખ જેટલો થવા જાય છે ! એવું ઈન્કમટેકસ રિટર્ન જણાવે છે. શાપરિયા દંપતિ નુકસાનીના સહન કરવાની દ્રષ્ટિએ જબ્બર ક્ષમતા ધરાવે છે. અગાઉનાં વર્ષોમાં જો કે પ્લસ આવક પણ રિટર્નમાં દર્શાવવામાં આવી છે. શાપરિયા દંપતિ વેપાર તથા ખેતીમાં જબરી મહેનત કરે છે.
આ ઉમેદવાર રૂ. 3,09,73,380 ની જંગમ મિલકતો ધરાવે છે, તેઓનાં પત્ની પણ રૂ. 66,00,552 ની જંગમ મિલકત ધરાવે છે. આ ઉપરાંત ઉમેદવાર રૂ. 3,60,06,421ની સ્થાવર મિલકત ધરાવે છે અને તેઓનાં પત્ની રૂ. 46,08,091ની સ્થાવર મિલકત ધરાવે છે. શાપરિયા દંપતિ પર દેણું જોવા મળે છે, તેઓનાં સોગંદનામાંમાં.
ચીમન શાપરિયા રૂ. 5,07,44,364 નું અને તેઓનાં પત્ની રૂ. 3,98,63,418 નું દેણું પણ ધરાવે છે. ઉમેદવાર પર રૂ. 28,81,169 નું અને તેઓનાં પત્ની પર રૂ. 40,27,479 નું સરકારી લેણું ( જવાબદારી) હોવાનું જાહેર થયું છે.
જામજોધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરીયા છે. તેઓએ છે..ક રાજસ્થાનની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. પાંચ વર્ષ પહેલાં 2017/18 માં તેઓએ ઈન્કમટેકસ રિટર્નમાં રૂ. 33,00,100ની વાર્ષિક આવક દર્શાવેલી. પરંતુ 2021/22 માં રિટર્ન મુજબ તેઓની વાર્ષિક આવક ઘટીને રૂ. 13,81,960 થવા પામી છે. મોંઘવારીનાં જમાનામાં આવક ઘટે તે ચિંતાનો વિષય છે પરંતુ એવું સમજાઈ રહ્યું છે કે, તેઓ ધારાસભ્ય બન્યા પછી કમાણી પર ખાસ ધ્યાન આપી શક્યા નથી ! તેઓ લોકસેવામાં સતત વ્યસ્ત રહેતાં હોય, એટલે આવક ઘટી હશે ?! કે, કોઈ અન્ય કારણ હશે ? એવો સ્વાભાવિક પ્રશ્ન અહીં કોઈને પણ ઉદભવે. તેઓનાં પત્ની વાર્ષિક રૂ. ચાર-પાંચ લાખની આવક રિટર્નમાં દર્શાવી રહ્યા છે. સંયુક્ત પરિવારની પણ આવકો આવકવેરા વિભાગ સમક્ષ દર્શાવવામાં આવી છે. ઉમેદવારનો પોલીસ રેકર્ડ સ્વચ્છ છે. અને, ધારાસભ્ય ઉમેદવારનાં નામે એક પણ વાહન પણ નથી.
આ ઉમેદવાર બેંક થાપણો, રોકડ અને સોનું મળી કુલ રૂ. 2,55,80,866 ની તથા તેઓનાં પત્ની રૂ. 2,01,82,987 ની જંગમ મિલકતો ધરાવે છે અને ઉમેદવાર પાસે રૂ. 29,65,859 ની સ્થાવર મિલકત છે. તેઓનાં પત્ની સ્થાવર મિલકત ધરાવતાં નથી. આ દંપતિ રૂ. 36,72,071 લોન જવાબદારી ધરાવે છે. જો કે તેઓ પર કોઈ પણ પ્રકારનું સરકારી દેણું નથી.