Mysamachar.in-જામનગર:
ચૂંટણી નાની હોય કે મોટી, એક જંગ હોવાથી – યુદ્ધ અને પ્રેમમાં બધું જ થઈ શકે, એ ન્યાયે ચૂંટણી જિતવા કોઈ પણ વ્યક્તિ અથવા પક્ષ અને અપક્ષો પણ બધું જ કરી છૂટતાં હોય છે, જેમાં આચારસંહિતા અને સિદ્ધાંતો તથા તટસ્થતા અને પવિત્રતા સહિતનું બધું જ ભસ્મ થતું હોય છે અને એ રીતે લોકશાહીનું મહાન પર્વ ઉજવાતું રહે છે ! પછી, વિજેતાઓના ઢોલ વાગે. વિજેતા બનવા માટે, આ વિધાનસભા ચૂંટણીમાં પણ આવતીકાલની એટલે કે રવિવારની રાત કતલની રાત પૂરવાર થશે, પ્રત્યેક ચૂંટણીઓ જેમ જ !!
આપણે સૌ મતદારો જાણીએ છીએ કે, ચૂંટણીનો જંગ જિતવા સૌ કોઈ બધાં જ હથકંડા અજમાવી લેતાં હોય છે. એમાંનો એક પ્રયોગ છે, મુખ્ય પ્રતિસ્પર્ધીને હરાવવા તેનાં મતો તોડવા અથવા મતોનું વિભાજન કરાવી નાંખવું. મતોનું વિભાજન કરાવવા ઘણાં પ્રકારના પ્રચાર અને અપપ્રચાર થતાં હોય છે. મતોના વિભાજન માટે એક સલામત અને કાગળ પર કાયદેસરનો ઉપાય એ છે કે, પ્રતિસ્પર્ધીને મળતાં મતોનો આંકડો મર્યાદિત કરવા અને એ રીતે પ્રતિસ્પર્ધીથી આગળ નીકળી જવા ફૂટકળિયા અને ડમી ઉમેદવારો ઉભાં રાખવા ! ઘણાં બધાં લોકોને આ રીતે ફોર્મ ભરાવવામાં આવે છે. અને, પોતાનાં મતોનું વિભાજન રોકવા સામેવાળાએ ઉભાં કરેલાં આવા ડમી ઉમેદવારોનાં ફોર્મ ભરાતાં અટકાવવા અને ફોર્મ પાછાં ખેંચાવવા.
આગામી સોમવારે, 14મીએ નામાંકનપત્ર દાખલ કરવાનો આખરી દિવસ હોવાથી આવતીકાલે રવિવારની રાત સુધીમાં આ પ્રકારની ‘ ગોઠવણો’ કરવા તેમજ ખાટલાબેઠકો અથવા ગુપ્ત બેઠકો કરીને વધુને વધુ ફોર્મ દાખલ કરાવવા ઘણું બધું થશે. આ પ્રકારની તોડબાજીઓ અને ગોઠવણો જો કે સૌ વધતાં ઓછાં અંશે જાણતાં હોય છે. પરંતુ આ પ્રકારની બિનલોકશાહી પધ્ધતિઓ અટકાવવા આઝાદીનાં પંચોતેર વરસ પછી પણ, કોઈ જ ચૂંટણી સુધારાઓ થઈ શક્યા નથી ! બધું જ દાયકાઓથી ચાલી રહ્યું છે. આજે આખો દિવસ અને રવિવારની મોડી રાત્રિ સુધી આવું બધું જામનગર સહિત રાજ્યભરમાં થતું રહેશે ! મતદારો મત આપ્યાનો સંતોષ માણતાં રહે છે. તેઓને અસલી રમતોનો કોઈ જ અહેસાસ હોતો નથી. વિજેતાઓ છાતી ફૂલાવી ફરતાં હોય છે, જેની પાછળ સંખ્યાબંધ કિસ્સાઓમાં આ પ્રકારનાં ઘણાં છળકપટ આચરવામાં આવેલાં હોય છે ! પરંતુ મોહબ્બત ઔર જંગમેં સબ જાહિઝ હૈ, એ ઉક્તિ પ્રમાણે સૌ લોકશાહીનાં ગુણગાન ગાતાં રહે છે !!