Mysamachar.in-ગુજરાત:
અંગ્રેજી ભાષામાં ચૂંટણી ટાણે લોકશાહી માટે dance of democracy શબ્દપ્રયોગ થતો હોય છે. લોકશાહીનું નૃત્ય ઘણાં લોકોને ગમતું હોય છે.રૂપિયાનો રણકાર અને પ્રચારનું સૂરીલુ સંગીત આ “નાચ” ને ઉત્તેજક બનાવે છે. આ નાચની મહેફિલોમાં ઘણાં બાહુબલિઓ જમણાં હાથનાં કાંડે તથા ગળામાં રૂમાલ બાંધી હાજર રહે છે અને ચિક્કાર નોટો ઉડાવી મહેફિલને મોજીલી બનાવી દેતાં હોય છે ! એક રિપોર્ટ કહે છે: આ રૂમાલવીરો આસાનીથી ‘ વિનર ‘ બની શકે છે !!
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનાં દિવસો અને ધમધમતી રાતો શરૂ થઈ છે ત્યારે ADR રિપોર્ટ આવ્યો છે, જે કહે છે: સામાન્ય ઉમેદવારોની સરખામણીમાં ‘ કલંકિત’ ઉમેદવારોનાં જિતવાના ચાન્સ ડબલ હોય છે !! એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મનાં રિપોર્ટનું એનાલિસીસ કહે છે: 2004થી અત્યાર સુધીમાં ગુજરાતમાં જે ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં ‘કલીન’ ઉમેદવારોની સરખામણીમાં ‘ કલંકિત ‘ ઉમેદવારોનો વિજય વધુ નોંધાયો છે ! જે ઉમેદવારો કલીન ઈમેજ ધરાવે છે તેની વિજયની તકો દસ ટકા રહી અને જે ઉમેદવારો કલીન ઈમેજ ધરાવતાં નથી તેઓની જિતવાની સરેરાશ વીસ ટકા એટલે કે મિ. કલીન કરતાં બમણી રહી ! ટૂંકમાં, તેઓની બલ્લે બલ્લે !!
આ એનાલિસીસ એમ પણ કહે છે કે, ચૂંટણીઓ લડેલા ઉમેદવારોની સંપત્તિની સરેરાશ રૂ. 171 લાખ જોવા મળી છે. જયારે ધારાસભ્યો અને સાંસદો એવું ટેગ ધરાવતાં ઉમેદવારોની સંપત્તિની સરેરાશ રૂ. 599 લાખ જોવા મળી છે, આ ઉપરાંત રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 2004થી અત્યાર સુધીમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કુલ 6043 ઉમેદવારો લડ્યા. જે પૈકી 685 ઉમેદવારો ધારાસભ્ય અથવા સાંસદ બની શક્યા. કુલ ઉમેદવારો પૈકી 16 ટકા એટલે કે 972 ઉમેદવારોએ એફિડેવિટ પર જાહેર કર્યું કે, તેઓ વિરૂધ્ધ ક્રિમીનલ કેસ દાખલ થયેલાં છે. જે પૈકી 511 એટલે કે, 8ટકા ઉમેદવારોએ જાહેર કર્યું કે તેઓ વિરૂધ્ધ ગંભીર અપરાધો નોંધાયેલા છે.
સાંસદો અને ધારાસભ્યો પૈકી 28 ટકા એટલે કે 191 લોકોએ જાહેર કર્યું કે તેઓ વિરૂધ્ધ ક્રિમીનલ કેસ દાખલ થયેલાં છે. 16 ટકા એટલે કે 109 ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે, તેઓ વિરૂધ્ધ ગંભીર અપરાધો નોંધાયેલા છે. ડાન્સ ઓફ ડેમોક્રેસી બરાબર જામ્યો છે, સૌ નિહાળી રહ્યા છે. કેટલાંક દર્શકો તાળીઓ પાડી રહ્યા છે. સરકારો બદલાતી રહે છે, સામાન્ય માણસ જિંદગીનું ગાડું ઢસડી રહ્યો છે.