Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે, જો કે બંને મુખ્ય પક્ષોએ હજુ ઘણાં ઉમેદવારો જાહેર કરવાનાં બાકી છે ત્યારે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત પણ થઇ ચૂકી છે. અત્રે 2017ની ગત્ વિધાનસભા ચૂંટણીને યાદ કરી લઈએ, ખાસ કરીને હાલારના ( કુલ 7 બેઠકો) સંદર્ભમાં.
આખાં રાજ્યની જનરલ વાત કરીએ તો, 2017 માં કોન્ગ્રેસ દ્વારા નોંધપાત્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને કારણે પાતળી બહુમતી સાથે ભાજપા સરકાર રચાઈ હતી. આ વખતે મતદાન એક અને પાંચ ડિસેમ્બરે છે પરંતુ ગત્ ચૂંટણીમાં મતદાન નવ અને ચૌદ ડિસેમ્બરે હતું. 2017 અગાઉનાં 32 વર્ષમાં કોંગ્રેસને સૌથી વધુ 77 બેઠક એ ચૂંટણીમાં મળી હતી. 2012ની સરખામણીમાં ભાજપાને 16 બેઠકનું નુકસાન થયું હતું અને માંડ માંડ 99 બેઠક મળી હતી. 2017ની ચૂંટણીમાં રાજકીય નિરીક્ષકોનાં કહેવા પ્રમાણે, પાટીદાર ફેકટરે કોન્ગ્રેસને મોટો ફાયદો કરાવી આપ્યો હતો. જો કે અત્રે આપણે માત્ર હાલારની સાત બેઠકોની જ વાત કરીએ.
2017ની વિધાનસભા ચૂંટણીમાં કાલાવડ અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકો પર મતદારોએ કોંગ્રેસની તરફેણમાં ચિક્કાર મતદાન કર્યું હતું. તો, જામનગર શહેરની બે બેઠકો જામનગર ઉત્તર અને દક્ષિણમાં મતદારોએ ભાજપાને ખોબલે ખોબલે મત આપ્યા હતાં. આ સ્થિતિમાં પણ જો કે, કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામનગર દક્ષિણમાં NOTAમાં ઘણાં મત પડ્યા હતાં ! એ પણ એક આશ્ચર્ય લેખાવી શકાય.
NOTAની જ વાત કરીએ તો જામજોધપુર વિધાનસભા બેઠક પર તો રસાકસીભરી ચૂંટણીમાં NOTAએ જ આ બેઠક કોન્ગ્રેસને અપાવી દીધી ! વિજેતાની લીડ કરતાં પણ NOTAમાં વધુ મત પડ્યા હતાં ! દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વિધાનસભા બેઠક પર NOTA તથા અપક્ષોએ કોન્ગ્રેસને વિજય સુધી પહોંચાડી હતી તો આ જિલ્લાની અન્ય બેઠક દ્વારકામાં NOTA તથા અપક્ષને કારણે ભાજપાને સાંકડો વિજય મળ્યો હતો. કોન્ગ્રેસના પરાજિત ઉમેદવારની જ્ઞાતિનાં એક અપક્ષ તથા NOTAએ બાજી પલટાવી ન હોત તો આ બેઠક પણ કોન્ગ્રેસના ખાતામાં જમા થઈ હોત.
તો પણ, સમગ્ર હાલારમાં કોન્ગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. સાત પૈકી ચાર બેઠકો કોન્ગ્રેસે જિતી લીધી હતી. પાંચમી બેઠક ભાજપા માંડ જિતી. જામનગર શહેરની બંને બેઠકોને બાદ કરતાં, બંને જિલ્લામાં કોન્ગ્રેસનું પ્રભુત્વ નોંધપાત્ર રહ્યું હતું. આ વખતની ચૂંટણીમાં કોન્ગ્રેસ કેટલું જોર દેખાડી શકશે ?! કેમ કે, આ વખતે જંગ ત્રિપાંખિયો છે, આમ આદમી પાર્ટી કેવું પ્રદર્શન કરી શકે છે ?! તેનાં પરથી હાલારમાં ભાજપા કોંગ્રેસનું પરિણામ અને કદાચ, ભવિષ્ય નક્કી થશે !