Mysamachar.in-જામનગર
આખરે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ગુજરાતની વિધાનસભા ચૂંટણી આવી પહોંચી રાજ્યનાં આંગણે. કાલે ગુરુવારે ચૂંટણી જાહેર થતાં જ, જામનગર સહિત રાજ્યભરમાં બધાં જ ચક્કર ઝડપથી દોડવા લાગ્યા છે. પ્રદેશ ભાજપા હેડ કવાર્ટર કમલમ ખાતે બે દિવસથી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કાલે ગુરુવારે 47 વિધાનસભા બેઠક માટેની ઉમેદવારો અંગે ચર્ચા થયા બાદ આજે વધુ 58 બેઠકો માટે ચર્ચા થશે અને નામો લગભગ ફાઈનલ થઈ શકે છે. જેમાં જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનાં નામો અંગે પણ ચર્ચા થશે.
કાલે ગુરુવારે કમલમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી મિટિંગમાં 47 બેઠકોનાં નામો પર ચર્ચા થયા બાદ અમિત શાહે મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ સાથે એક અલગ મિટિંગ કરી હતી. આજે અમિત શાહનાં અધ્યક્ષસ્થાને કમલમમાં યોજાયેલી મિટિંગમાં જામનગર જિલ્લાની પાંચ તથા અમરેલી, અમદાવાદ વગેરે જિલ્લાઓની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થશે. આ બેઠકમાં નામો લગભગ ફાઈનલ થઈ શકે છે. બાદમાં આ નામો અંગે વડાપ્રધાનની મંજૂરી લેવામાં આવશે. અને ત્યારબાદ પક્ષનાં સંસદીય દળની બેઠકમાં નામો પર અંતિમ મહોર લગાવી નામોની જાહેરાત કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.
જામનગર શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરાએ My samachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટેની સમીક્ષા આજે સાંજે યોજવામાં આવશે. આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જામનગરથી સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો આર.સી.ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા, તત્કાલીન પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, મેયર બિનાબેન કોઠારી, પક્ષનાં મહામત્રીઓ પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ સહિતના આગેવાનો આજે કમલમમાં છે.