Mysamachar.in-જામનગર:
ઘણાં લાંબા સમયથી જામનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો એવી આશા રાખી રહ્યા હતાં કે, વિધાનસભા ચૂંટણી પૂર્વે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન તેઓ નિરીક્ષકો સમક્ષ ‘ મન કી બાત ‘ મૂકશે. લાંબા ઈંતજાર પછી, આ દિવસ આજે આવી પહોંચ્યો. સૌ ઉત્તેજના અનુભવી રહ્યા છે.
પ્રદેશ ભાજપા દ્વારા જામનગર મોકલવામાં આવેલાં ત્રણ નિરીક્ષકો આજે સવારથી, શહેર ભાજપાનાં યજમાનપદે સેન્સ પ્રક્રિયામાં ગળાડૂબ છે. અત્યારે મળી રહેલી વિગતો મુજબ, આ નિરીક્ષકો જામનગર શહેરની વિધાનસભા બેઠક માટે નાનામાં નાના હોદેદારોની વાત સાંભળી રહ્યા છે. પ્રથમ તબક્કામાં કોર્પોરેટર તથા વોર્ડ હોદેદારો કક્ષાના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને સાંભળવામાં આવી રહ્યા છે. બાદમાં, એમ પણ કહેવાય છે કે – દાવેદારોમાં મનની વાત ‘ ખાનગી ‘ માં, વન-ટુ-વન બેઠકમાં સાંભળવામાં આવશે. પ્રદેશ કક્ષાએથી સેન્સ પ્રક્રિયા અંગે આ ગાઈડલાઈન આપવામાં આવી છે.
જો કે, અત્રે એ પણ નોંધનીય છે કે આ સેન્સ પ્રક્રિયા એક પ્રકારની ફોર્માલિટીથી વિશેષ કશું જ નથી ! બધું રૂડું લાગે. બાકી તો સૌ જાણે જ છે કે, ટિકિટ દિલ્હીથી નક્કી થશે ! નિરીક્ષકોનાં રિપોર્ટને અથવા પ્રદેશ ભાજપાની લાગણીઓને કેટલું મહત્વ આપવામાં આવશે ? એ પણ રામ જાણે !! કેમ કે, પ્રદેશ અધ્યક્ષ ખુદ એક કરતાં વધુ વખત જાહેરમાં બોલી ચૂક્યા છે: ટિકિટ વડાપ્રધાન અને અમિત શાહ જ નક્કી કરશે. એક જ ફેકટર કામ કરશે, જિતે છે કયો દાવેદાર ?! એ જ બાબત ટિકિટ ફાળવણી વખતે ધ્યાનમાં લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી crucial છે, 2024 લોકસભાની ચૂંટણી પહેલાંની એક અર્થમાં સેમિ ફાઈનલ છે ! સમગ્ર રાજ્યની સાથેસાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે ગુરૂવારે સવારે શહેર ભાજપા કાર્યાલય ખાતે શહેરની 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશ ભાજપા તરફથી ત્રણ નિરીક્ષકો જામનગર ભાજપાની મુલાકાતે આવ્યા છે.
આ ત્રણ નિરીક્ષકોમાં જયદ્રથસિંહ પરમાર (ધારાસભ્ય, પૂર્વ મંત્રી), ડો. પ્રદ્યુમન વાજા ( પ્રમુખ, ગુજરાત ભાજપા અનુસૂચિત જાતિ મોરચો) તથા મધુબેન પટેલ ( પૂર્વ અધ્યક્ષા, પ્રદેશ મહિલા મોરચો) નો સમાવેશ થાય છે. આ ત્રણ નિરીક્ષકોએ આજે સવારે સ્થાનિક ભાજપાનાં આગેવાનો, વિવિધ મોરચાનાં હોદેદારો, નગરસેવકો તથા દાવેદારો સહિતનાં પક્ષનાં સિનિયર કાર્યકર્તાઓ સાથે ઔપચારિક અને બિનઔપચારિક એમ બંને પ્રકારની વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ દાવેદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 78- જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર હાલ ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે. આ બેઠક પર અન્ય આગેવાનોનાં દાવાઓને કારણે સૌ આજની સેન્સ પ્રક્રિયા અંગે ઉત્તેજના અનુભવી રહ્યા છે.
આજે ગુરૂવારે બપોરે સાડા ચાર વાગ્યે, આ ત્રણ નિરીક્ષકો 79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. આ બેઠક પર પણ ઘણાં આગેવાનો દાવેદારી કરી રહ્યા હોય, નિરીક્ષકોએ સારૂં એવું હોમવર્ક કરી, પ્રદેશમાં પોતાનો સેન્સ રિપોર્ટ આપવાનો રહેશે.
આ ઉપરાંત આવતીકાલે 28 મીએ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોની ત્રણ બેઠકો 76-કાલાવડ વિધાનસભા, 77-જામનગર ગ્રામ્ય વિધાનસભા અને 80-જામજોધપુર વિધાનસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ત્રણ પૈકી કાલાવડ અને જામજોધપુર બેઠકો હાલ કોન્ગ્રેસના કબજામાં છે.તે કબજે કરી શકવા કોણ સક્ષમ તેના ચહેરાઓ કાલે સામે આવશે.