Mysamachar.in-ગુજરાત:
ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી આગવી અને અનોખી હશે એટલું તો નક્કી થઈ જ ચૂક્યું છે. હવે ચૂંટણીની માત્ર સત્તાવાર જાહેરાતનો જ સૌને ઈંતજાર છે. સંભાવનાઓ એવી પણ ચર્ચાઈ રહી છે કે, દીવાળી પછીનાં સ્નેહમિલન સમારોહોમાં એક-મેકને ગળે લગાડી લેવાની સાંસ્કૃતિક પરંપરા નિભાવી લીધાં બાદ તમામ યોદ્ધાઓ ચૂંટણીનાં કુરૂક્ષેત્રમાં પોતપોતાની છાવણીઓમાં પોઝિશન સંભાળી લેશે. પ્રતિસ્પર્ધીઓ નક્કી થઈ જશે, કેમ કે લોકો તહેવારોમાંથી પરવારે પછી તરત જ સૌને ચૂંટણી તૈયારીઓમાં જોડી દેવાની વ્યૂહરચના ગોઠવાઈ શકે છે.
2017 માં ડિસેમ્બરનાં પ્રારંભે ચૂંટણી યોજાઈ હતી, જો ચૂંટણી પંચ એ જ પરંપરાને અનુસરે તો 45 દિવસની આચારસંહિતાને ધ્યાનમાં રાખી, દીવાળી પછી તરત જ ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, દીવાળી પછીનાં સ્નેહમિલન સમારોહોને આચારસંહિતાની બહાર રાખવા ચૂંટણીની સતાવાર જાહેરાત લાભપાંચમ પછી પણ ગમે ત્યારે અચાનક થઈ શકે છે. અથવા એવું પણ બની શકે કે દીવાળીનાં તહેવારો દરમિયાન અથવા એ પહેલાં પણ ચૂંટણીપંચ ચૂંટણીની સતાવાર જાહેરાત કરી શકે છે. ટૂંકમાં, હવે સતાવાર જાહેરાત આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બધાં જ પક્ષો ઉપરાંત ચૂંટણી પંચ ( સરકારી વિભાગો) પણ હાલ આ દિશામાં બુલેટટ્રેનની ઝડપે દોડી રહ્યા છે.
ભારતીય ચૂંટણી પંચના અધિકારીઓએ ગાંધીનગર ખાતે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા શરૂ કરી દીધી છે. રાજ્યનાં સચિવો ઉપરાંત જિલ્લાના વહીવટી તથા પોલીસ વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સંકલન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચે સ્ટાફ, બાકી રહેતી કામગીરીઓ, કર્મચારીઓનું સ્થળાંતર વગેરે તૈયારીઓની સમીક્ષા કરી છે. અને ગુજરાત ચૂંટણી માટે વિવિધ વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓને જવાબદારીઓ સોંપવા આ અધિકારીઓની પસંદગી પણ પૂર્ણ થઈ છે.
ગુજરાતમાં ચૂંટણીનો સંપૂર્ણ હવાલો જે અધિકારીઓ હસ્તક રહેવાનો છે તેઓનાં જાહેર કરવામાં આવેલાં નામો આ પ્રમાણે છે: વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનરો ધર્મેશ વ્યાસ તથા નિતેશ વ્યાસ ઉપરાંત હ્રદયેશ કુમાર, વરિષ્ઠ અગ્રસચિવ એન.એન.બુટોલિયા, નિયામકો યશવેન્દ્રસિંહ અને દીપાલી માસિરકર ઉપરાંત અગ્રસચિવ એસ.બી.જોષી, નાયબ સચિવ શુભ્રા સક્સેના અને સંયુક્ત નિયામક અનુજ ચોંડક. કેન્દ્રીય ચૂંટણીપંચનાં અધિકારીઓએ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથી સાથેનાં સંકલનથી આ ટીમની જાહેરાત કરી છે. અને તમામ જિલ્લાઓનાં કલેકટર, પોલીસ કમિશનરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજી હતી. નવેમ્બરના અંત ભાગમાં અથવા ગત્ ચૂંટણી માફક ડિસેમ્બરનાં પ્રારંભે ચૂંટણીઓ યોજાઈ તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીની જબરદસ્ત તૈયારીઓમાં રાતદિન એક કરી રહ્યા છે. બીજી બાજુ મતદારો નવરાત્રિ તથા દિવાળીનાં તહેવારો થનગનાટ સાથે ઉજવવાના પ્લાનિંગમાં હાલ વ્યસ્ત છે. સપ્તાહ પછી શરૂ થઈ રહેલાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી માટે સૌ તૈયારીઓમાં ગળાડૂબ છે.