Mysamachar.in-ગુજરાત:
કોઈ પણ જંગ અથવા બિઝનેસ માટે વ્યૂહરચના ઉર્ફે સ્ટ્રેટેજી મોટી વાત હોય છે. રાજકારણ એક ધમધોકાર ધંધો હોવાને કારણે, રાજકીય જંગની સ્ટ્રેટેજીસ હંમેશા અફલાતૂન જ રહેતી હોય છે. વિધાનસભા ચૂંટણી નજીક છે. શાણા ગુજરાતીઓને લોભાવવા અને લલચાવવા માટે, જાળો પથરાઈ રહી છે. પરંતુ ગુજરાતી મતદારોનું શાણપણ તેમની કોઠાસૂઝની નીપજ છે. તેથી મતદારો આ વખતે પણ, તેલ અને તેલની ધાર તો જોશે જ.
વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં ત્રણ મુખ્ય રાજકીય પક્ષોની વાત કરીએ તો, ભાજપાની બાજી હજુ સાવ બંધ જ છે. તેઓ અંદરનાં લોકોને પણ ગંધ આવવા દેતાં નથી ! એવું જાણકારોનું માનવું છે. કોંગ્રેસ પાર્ટી રાબેતા મુજબ, શાસનથી કંટાળેલા મતદારોને લોભાવવા ઉપરાંત આ વખતે પણ, પાછલી ચૂંટણીનો માહોલ જમાવવા સ્ટ્રેટેજીસ ગોઠવી રહી છે. આ બંને પક્ષોની સરખામણીએ નવી અને ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટી મતદારોને નિખાલસતા દેખાડી લાંબી ઇનિંગ રમવાની તૈયારીઓ સાથે આગળ વધી રહી હોવાનું દેખાઈ રહ્યું છે.
પક્ષ અને મતદારો વચ્ચેની વાત કરીએ તો, કેજરીવાલ ઓપન જંગ ખેલી રહ્યા છે. શાસકપક્ષને આડકતરી રીતે દબાવવાની એક પણ તક છોડયા વિના, કોંગ્રેસનાકમિટેડ મતદારોને વધુને વધુ પ્રમાણમાં ખેંચવા ઉઘાડું રમી રહ્યા છે. મેદાનમાં ચારે તરફ ફટકાબાજી ચાલુ છે. દર્શકો તાળીઓનો ગડગડાટ કરે છે. કોંગ્રેસ રાહુલકાર્ડ જુદી રીતે વટાવી, આ વખતે શાસકપક્ષના મતદારોને આકર્ષવાનો પણ વ્યૂહ અજમાવી રહી છે. શાસકપક્ષ મતદારોની તથા બંને મુખ્ય હરીફોની ચાલો અને ચાલબાજીઓ પર માઈક્રોસ્કોપ ઘણાં સમયથી ગોઠવી ચૂક્યો છે. વચ્ચે વચ્ચે ટેલિસ્કોપનો પણ ખપ પૂરતો ઉપયોગ કરી લ્યે છે.
આમ ત્રણેય પક્ષો અને ચારેય મુખ્ય નેતાઓ, મોદી-શાહ-કેજરીવાલ-રાહુલ પોતપોતાના પક્ષને સૌથી આગળ દોડાવવા રાતદિન એક કરી રહ્યા છે પરંતુ મતદારોએ હજુ પોતાની સ્ટ્રેટેજી ઓપન નથી કરી. મતદારોમાં એક અજીબ સન્નાટો જોવા મળી રહયો છે. આ શાંતિ રાજકીય પક્ષોને અત્યારથી અકળાવનારી બની રહી છે. મતદારો બધાં જ નેતાઓની હિલચાલ અને બોડી લેન્ગવેજનો અભ્યાસ કરી રહ્યા છે, મતદારો નિરાંતે નિર્ણય લેવાનાં મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. મતદારો કેજરીવાલની ગેરંટીઓનો અભ્યાસ કરી રહ્યા છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ઓક્ટોબરમાં આવે તેની પણ મતદારો રાહ જોઈ રહ્યા છે. અને, બે મુખ્ય વિપક્ષની વ્યૂહરચનાનો અભ્યાસ કરીને પોતાની વ્યૂહરચના ગોઠવવા આગળ વધી રહેલાં શાસકપક્ષ પર પણ મતદારો બારીકાઈથી નજર રાખી રહ્યા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
દિવાળી પછી ગુજરાતનાં રાજકારણમાં ઘણાં ફટાકડાઓ ફૂટશે, સૂરસૂરિયાઓનો આનંદ પણ મતદારો મેળવી શકશે. પક્ષો નવરાત્રિ મહોત્સવ દરમિયાન બહુ ગરબા ઘૂમશે. લાભપાંચમ પછી, નફાતોટાના હિસાબો નવેસરથી શરૂ થવાની વકીઓ પણ દેખાઈ રહી છે.