Mysamachar.in-ગુજરાત
આજે રાજ્યભરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામો જાહેર થયા તેમાં ભાજપનું કમળ ચોતરફ ખીલી ઉઠ્યું તો કોંગ્રેસનો કારમો પરાજય થયો છે, જે જગ્યાએ કોંગ્રેસનો કબજો હતો તે સાચવવામાં પણ કોંગ્રેસની સ્થાનિકથી માંડીને પ્રદેશની નેતાગીરી નિષ્ફળ નીવડી છે, અને કયાંક મતદારોનો વિશ્વાસ પણ ભાજપ તરફી વધુ રહ્યો હોય તેમ લાગે છે, તો કોંગ્રેસે હવે મનોમંથનની જરૂર હોય તેમ લાગે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મોટી સફળતા મળી કહી શકાય..કારણ કે 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર આજે ફરી ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે સ્વભાવિક ભાજપની છાવણીમાં જીતનો ઉત્સાહ છે…
પ્રદેશ કાર્યલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓનો મતદારો સાથેનો સંપર્ક અને સરકાર સાથે કરેલા કામોનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ હતી. આજે 31 જિલ્લા પંચાયતમાં ભાજપ લીડ કરી રહ્યું છે, કદાચ આ તમામમાં ભાજપ જીત મેળવશે.
આજે રાજ્યમાં જાહેર થઇ રહેલા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામો કોંગ્રેસ માટે આંચકારૂપ છે, અને ગહન મનોમંથન માંગી લેતા છે, ગુજરાતની 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતોમાં સરેરાશ 66 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 2015ની 31 જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસને 22માં જ્યારે ભાજપને 7માં સત્તા મળી હતી. તેમજ બેમાં ટાઈ પડી હતી. 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. ભાજપ 31 પર તો કોંગ્રેસ એકેયમાં આગળ નથી. આમ ભાજપે 6 મનપા બાદ જિલ્લા પંચાયતોમાં પણ કેસરિયો લહેરાવ્યો છે. જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.