Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની ચૂંટણી સાથે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પણ ચૂંટણી યોજાઇ હતી, ત્યારે આ બેઠક કોંગ્રેસ જાળવી રાખશે કે ભાજપના ફાળે જાશે તેવી અનેક અટકળો વચ્ચે એકબીજા પક્ષો દ્વારા આંકડાના ગણિતને આધારે જીતના દાવા કરી રહ્યા છે,ત્યારે રાજકીય પંડિતો પણ આ બેઠકને લઈને કોણ જીતશે તે અંગે મૂંઝવણમાં મુકાયા છે,

જામનગર ગ્રામ્ય બેઠકની વાત કરીએ તો ગત ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પક્ષપલ્ટુ એવા રાઘવજી પટેલને ભાજપ ટિકિટ આપવા છતાં હાર સહન કરવી પડી હતી અને કોંગ્રેસ આ સીટ જાળવી રાખી હતી જેમાં ૬૬.૨૪ ટકા કુલ મતદાન સાથે ભાજપને ૪૩.૪૭ ટકા અને કોંગ્રેસના ૪૭. ૭૯% મતો મળ્યા હતા જેની સામે આ વખતે ૬૫.૧૩ ટકા જેવું મતદાન થયું છે,

દરમ્યાન ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી,જેના કારણે પાટીદારોના પ્રભાવિત ક્ષેત્ર એવા જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર બેઠક ભાજપને ગુમાવી પડી હતી, જેની સામે આ વખતે પાકવીમા સહિતના પ્રશ્નોના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે અને છેલ્લે-છેલ્લે હાર્દિક પટેલની પણ રોડશો ની સારી એવી અસર પડી હતી,

પરંતુ આ તમામ અટકળો વચ્ચે કોંગ્રેસના પણ કહેવાતા પેરાશૂટ ઉમેદવાર જયંતિ સભાયા આ વિસ્તારથી ઓછા પરિચિત હોય અને પક્ષમાં પણ તેમની ઉમેદવારી લઈને નારાજગી જોવા મળી હતી ત્યારે જામનગર ગ્રામ્યની પ્રજા કહેવાતા પેરાશુટ ઉમેદવારને સ્વીકારે છે કે પક્ષપલ્ટુની છાપ ધરાવતા રાઘવજી પટેલ પર પસંદગી ઉતારશે તેવી તમામ અટકળો વચ્ચે હાલ તો જામનગર ગ્રામ્ય બેઠક કટોકટી સમાન હોય કોઈ કહી શકતું નથી કે કોણ જીતશે,પ્રજા કોને રાજા બનાવશે અને કોને જાકારો આપશે.
