Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની સાથે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે,ત્યારે એક વર્ષના ટૂંકાગાળામાં ફરીથી પેટા ચૂંટણી પ્રજાની માથે કેવી રીતે ઠોકી બેસાડવામાં આવી છે તે ગ્રામ્ય વિસ્તારની પ્રજા સારી રીતે જાણે છે,આ જ કારણોસર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં જઇ તો રહ્યા છે.પરંતુ પ્રજામાંથી જોઈએ તેટલો આવકાર મળતો નથી અને નિરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે કેમ કે એક બાજુ પક્ષપલ્ટુ રાઘવજી પટેલ છે તો બીજી તરફ આ વિસ્તારથી અપરિચિત કહેવાતા આયાતી ઉમેદવાર જયંતિ સભાયાને ઠોકી બેસાડવામાં આવ્યા છે, બંને પક્ષોએ સિદ્ધાંતો નેવે મૂકીને વર્ષોથી પાર્ટીનું કામ કરતા કાર્યકરોની કદર ન કરીને ઉમેદવારો પસંદ કરતા નારાજગી જોવા મળી છે, તેની સામે પ્રજા બધુ જાણે છે અને બંને પક્ષોના તાલ અને તાશીરા સામે ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્ય વિસ્તારની પ્રજાની ભાજપ અને કોંગ્રેસ મશ્કરી કરતી હોય તેવું લાગી રહ્યું છે એક બાજુ કોંગ્રેસે સ્થાનિક ૩૫ જેટલા દાવેદારોની વચ્ચે સુરત સ્થાયી થયેલા કહેવાતા આયાતી ઉમેદવાર એવા જયંતિ સભાયાને ટીકીટ આપી છે ત્યારે સ્થાનિક કોંગ્રેસના મજબૂત આગેવાનોની અવગણના અને નારાજગી વચ્ચે જયંતિ સભાયા ને જીતવું મુશ્કેલ છે ઉપરાંત જયંતિ સભાયા વર્ષોથી સુરત રહેતા હોય જામનગર ગ્રામ્ય ની પ્રજા તેમને ઓળખતી પણ નથી તો આવા આયાતી ઉમેદવારને જામનગર ગ્રામ્યની પ્રજા કેમ સ્વીકારે તેવો પણ પ્રશ્ન આ વિધાનસભા બેઠકમાં ઉઠવા પામ્યો છે,

તેની સામે ભાજપની સરકાર સામે ભૂતકાળમાં સામે પક્ષે રહીને આક્ષેપો કરનાર અને બેફામ બોલનાર પક્ષપલ્ટુ રાઘવજી પટેલને ભાજપે ટિકિટ આપતા 2017ની ચૂંટણીમાં જનતાએ જાકારો આપ્યા બાદ પક્ષના કાર્યકરોની અવગણના કરીને પાંચ વખત પક્ષપલટો કરનાર રાઘવજી પટેલને ફરીથી મેદાનના ઉતાર્યા છે, ત્યારે સતત કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાઘવજી પટેલ અને તેમના ટેકેદારોએ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી કોંગ્રેસનો પ્રચાર કરીને જામનગર ગ્રામીણ પ્રજા પાસેથી મતો માંગ્યા હતા અને ભાજપ વિરૂધ્ધ જોરદાર નો પ્રચાર કરીને ધારાસભ્ય થયા હતા,

ત્યારે આ જ રાઘવજી પટેલ હવે ભાજપના ઉમેદવાર હોવાથી ભાજપના કાર્યકરો પણ બરાબર ના ફસાયા છે અને મૂંઝવણ અનુભવી રહ્યા છે રાઘવજી પટેલનો ક્યા મુદ્દે પ્રચાર કરીને મતો મેળવવા તે યક્ષ પ્રશ્ન છે અને આવા ત્રાગા થી પ્રજા પણ કંટાળી ગઈ છે અને હવે ત્રીજા વિકલ્પ તરીકે અપક્ષોને તરફેણમાં જંગી મતદાન કરી પોતાનું ત્રિનેત્ર ખોલીને લોકશાહીના આ મહાન પર્વમાં ભાજપ અને કોંગ્રેસને પાઠ ભણવા માટે કંઈક નવાજૂની કરવાના મુડમાં હોય તેવું લાગી રહ્યું છે.
