Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે ચાર વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષોએ તમામ નીતિનિયમો, વિચારધારા અને સિદ્ધાંતોઓને નેવે મૂકીને પક્ષપલ્ટુઓને ટીકીટ આપતા કાર્યકરો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે ચૂંટણી દરમિયાન જેના વિરોધમાં પ્રચાર-પ્રસાર કરવા માટે પ્રજા પાસે ગયા હતા, ત્યારે પક્ષપલ્ટો કરીને તેમની પાર્ટીમાં ઉમેદવાર બનતા કાર્યકરો ક્યા મોઢે તેમનો પ્રચાર કરવા નીકળે તેવો પ્રશ્ન થઇ રહ્યો છે,

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ૧૦ દિવસ જેવા ટૂંકા સમયગાળા બાદ તા.૨૩ના રોજ મતદાન યોજવાનું હોય રાજકીય માહોલ જામતો જાય છે તેવામાં ભાજપે આ વખતે લોકસભામાં ૭ અને વિધાનસભામાં ૪ પક્ષપલ્ટુઓને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસ પણ બાકાત નથી, ૪ પક્ષપલ્ટુઓને ઉમેદવારોને ટિકિટ આપી છે,

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે મૂળ કોંગ્રેસ ગોત્રના ગણાતા કચ્છ, પાટણ, ખેડા, પંચમહાલ, બારડોલી, વલસાડ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે અને કોંગ્રેસ પણ ખેડા, સુરેન્દ્રનગર, દાહોદ, રાજકોટ વગેરે બેઠક પર ભાજપ ગોત્રના ગણાતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે,

જ્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે મૂળ કોંગ્રેસના એવા પક્ષપલ્ટુ ઉમેદવારોને ટીકીટ આપતા કાર્યકરો મૂંઝવણમાં મુકાયા છે. જેનો વિરોધ કરતા હતા તેનો પ્રચાર કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યા છે, લોકો શું જવાબ આપશે તે સહિતના પ્રશ્ને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાજપે ઊંઝા બેઠક પરથી આશા પટેલ, ધ્રાંગધ્રા બેઠક પરથી સિંચાઇ કૌભાંડના આરોપ લાગેલા પરસોતમ સાબરીયાને, માણાવદર બેઠક પરથી જવાહર ચાવડા અને પાંચ વખત પક્ષપલ્ટો કરનાર રાઘવજી પટેલને જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપે ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે.આમ, રાજકીય પક્ષો દ્વારા સતા માટે તોડજોડની રાજનીતિ રમીને પક્ષપલ્ટો કરનાર ઉમેદવારોને લોકો સ્વીકારે છે કે કેમ તે જોવાનું રહ્યું.
