Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભાની ચૂંટણી સાથે જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચૂંટણી પણ લોકસભાની સાથે જ યોજવવા જઇ રહી છે ત્યારે ગઇકાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ મળીને કુલ ૩૪ ઉમેદવારીપત્રો જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે તમામ ફોર્મની આજે ચકાસણી હાથ ધરવામાં આવશે,

જામનગર ગ્રામ્ય બેઠક પર ૨૮ અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, તેમાં સતવારા, મુસ્લીમ અને પટેલ સમાજના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ૨૦૧૭ની ચુંટણીમાં આ બેઠક પરથી સતવારા સમાજના વલ્લભભાઈ ધારવીયા કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા હતા, જે બાદ તેઓએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે.

જે રીતે સર્વવિદિત છે તેમ ઘણી વખત મુખ્ય પક્ષના ઉમેદવારો દ્વારા પોતાના ફાયદા-નુકશાન માટે પણ અપક્ષ ઉમેદવારો ઉભા કરવામાં આવતા હોય છે, જ્યારે અમુક ઉમેદવારો પોતે સ્વતંત્ર રીતે પોતાની ઉમેદવારી દાખલ કરતાં હોય છે, ત્યારે ગત ચૂંટણીની જેમ પેટાચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારો ક્યા પક્ષને કેટલો ફાયદો અને કેટલું નુકશાન કરાવશે તે મતગણતરીના દિવસે જ સામે આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.