Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય તમામ ૨૬ લોકસભા બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ દ્વારા છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની પસંદગી બાબતે મનોમંથન કરીને તમામ સમીકરણો ધ્યાનમાં રાખ્યા બાદ ઉમેદવારોની યાદી કટકે-કટકે જાહેર કરવામાં આવી છે,ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૬ અને કોંગ્રેસે ૮ પાટીદાર ઉમેદવારોને ઉભા રાખીને બેઠકો કબ્જે કરવા માટે રાજકીય ગણિત માંડ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨૬ બેઠકોમાંથી ભાજપે ૫ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસે માત્ર ૪ ઉમેદવારોને ટિકિટ આપી હતી. છતા ભાજપે તમામ લોકસભાની બેઠક પર જીત મેળવી હતી,

ત્યારે ટિકિટ ફાળવણીની વાત કરીએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાંથી પોરબંદર બેઠક પર લલિત વસોયા, રાજકોટ લલિત કગથરા, અમરેલી પરેશ ધાનાણી, ભાવનગર મનહર પટેલ, વડોદરા પ્રશાંત પટેલ, મહેસાણા એ.જે.પટેલ, અમદાવાદ(ઈસ્ટ) ગીતા પટેલ, સુરત અશોક આઘેવાડાને ટિકિટ આપી છે,

તો ભાજપ દ્વારા પોરબંદર રમેશ ધડુક, રાજકોટ મોહન કુંડારિયા, અમરેલી નારાયણ કાછડીયા, આણંદ મિતેષ પટેલ, મહેસાણા શારદાબેન પટેલ અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર હસમુખ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો અને પાતળી બહુમતીથી સરકાર બનાવવી પડી હતી. જેની સામે કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી હતી અને કોંગ્રેસને ફાયદો થયો છે, ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બહુમતી ધરાવતા પાટીદાર મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસ દાવ ખેલીને પાટીદારોને વધુ ટિકિટ આપીને રાજકીય લાભ લેવા ખેલ ખેલ્યો છે જે કેટલોક કારગત નીવડશે તે ચૂંટણીના પરિણામ સમયે બહાર આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.