Mysamachar.in-જામનગર:
જામનગર ઓશવાળ સેન્ટર ખાતે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના આગેવાનો દ્વારા પોતાના પ્રાસંગીક પ્રવચનમાં કોંગ્રેસ પર આક્રમક પ્રહારો કરીને લોકસભાની ચૂંટણીમાં જીતનો દાવો વ્યકત કર્યો હતો.

આ સંમેલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પોતાના પ્રવચનમાં કોંગ્રેસ પર તૂટી પડ્યા હતા અને જણાવ્યુ હતું કે ગુજરાતમાં કોંગ્રેસનો ભૂકંપ જામનગરથી આવ્યો છે, જે લોકો ભાજપમાં જોડાઈ તેને કોંગ્રેસની દુકાન બંધ કરાવી દીધી છે અને રાહુલ ગાંધીને પડકાર ફેકતા કહ્યું હતું કે “જામનગરથી જેને લડાવવા હોય તેને લડાવો હું પ્રાર્થના કરું કે, સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે, ભલે હાથોહાથ થઈ જાય” તેવું હાર્દિકને લઇને મોટું નિવેદન આપ્યું છે,ઉપરાંત આડકતરી રીતે રાહુલ ગાંધી પર પ્રહાર કરીને “ગંગુતેલી જેવું વ્યક્તિત્વ મોદી સામે લડવા નીકળ્યું છે..” તેવી ટીખળ પણ કરી હતી અને “શહીદોના મોતને અકસ્માત ખપાવતા કોંગ્રેસ પુરાવા માંગે છે” અને |હાર્દિકને સભાઓ લેવા મોકલજો કોઈ ફેર ના પડે” તેવો જીતુ વાઘાણીએ છેલ્લે છેલ્લે ટોણો માર્યો હતો,

જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર રાઘવજી પટેલે પણ પોતાના ભાષણની શરૂઆતમાં જ રાજ્યકક્ષાના મંત્રી હકૂભા જાડેજાના ગુણગાન ગાતા સૌ કોઈ ચોંકી ગયા હતા અને ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરી વચ્ચે રાઘવજી પટેલના મોઢેથી હકૂભાના ભરપૂર વખાણની સામે રાઘવજી પટેલની કોઈ મજબૂરી રહી હશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થયો હતો,

લોકસભાના ઉમેદવાર પૂનમબેનનું સંબોધન શરૂ થતાં જ લોકોએ “પૂનમબેન તુમ આગે બઢો..”ના નારા કાર્યકરોએ લગાવ્યા, ત્યારે પૂનમબેન પણ સંબોધન કરતા જણાવ્યુ હતું કે “આપ સૌના આશીર્વાદથી મે કામ કર્યું અને તમારા કારણે જ મને આ જવાબદારી બીજી વાર મળી છે” તે બદલ કાર્યકરોનો આભાર માન્યો હતો, તમે બધા મારી સાથે છો એટલે તો આજ સુધી જામનગર લોકસભાની બેઠક પર કોંગ્રસ પોતાનો ઉમેદવાર પણ જાહેર કરી શકતા નથી,

પૂનમબેન સંબોધન કરતા સમયે ફરી ભાવુક થતા મંત્રી આર.સી.ફળદુએ પાણી આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને જણાવ્યુ હતું કે “કોંગ્રેસ પોતાની પાર્ટી ચલાવી શકે તેટલું પણ સક્ષમ નથી, તો દેશ શું ચલાવશે..” આમ ભાજપના સંમેલનમાં આગેવાનો દ્વારા કોંગ્રેસ પર તૂટી પડીને શાબ્દિક યુદ્ધ છેડતા ચૂંટણીમાં ધીમે-ધીમે રાજકારણ ગરમાતું જાય છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.