Mysamachar.in-જામનગર:
ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ રાજયના ગ્રામીણ ક્ષેત્રમાં નબળો રહ્યો હતો અને ધીમે-ધીમે ભાજપના જનાધારનો ગ્રાફ નીચે ઊતરતો જાય છે. તેવામાં જામનગર લોકસભાની ચૂંટણી સાથે એકાએક જામનગર ગ્રામ્યની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દેતા આ વિસ્તારની પ્રજા પર ફરીથી એક વર્ષના ગાળામાં પેટા ચૂંટણી ઠોકી બેસાડવામાં આવી છે. ત્યારે છેલ્લી બે ચૂંટણીમાં ભાજપે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં જનાધાર ગુમાવવામાં વધારો થતાં, આ બેઠક ભાજપ માટે જીતવી અઘરી બની ગઈ છે. તેની સામે કોંગ્રેસ જો એકજૂટ થાય તો તેના માટે આ બેઠક કબજે કરવી સહેલી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે,

આ બેઠકના સમીકરણની વાત કરીએ તો વિધાનસભાની ચુંટણીમાં વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસમાંથી રાઘવજી પટેલે જે-તે સમયના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુને માત્ર ૩૩૦૪ મતોની પાતળી સરસાઇથી હરાવ્યા હતા. જેમાં રાઘવજી પટેલને ૬૦૪૯૯ ની સામે આર.સી.ફળદુને ૫૭૧૯૫ મતો મળ્યા હતા અને મુખ્ય પક્ષો સાથે ૧૬ જેટલા ઉમેદવારોએ અપક્ષમાં ઝંપલાવ્યું હતું, છતાં કોંગ્રેસ જીતી ગઈ હતી. ત્યારબાદ ૨૦૧૭ મા વિધાનસભાની ચૂંટણીમાં રાઘવજી પટેલે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાંથી ઉમેદવારી કરતા પ્રજાએ રાઘવજી પટેલને પણ જાકારો આપીને કોંગ્રેસના વલ્લભ ધારવીયાને ૬૩૯૭ની લીડથી વિજેતા બનાવ્યા હતા, જેમાં કોંગ્રેસ ૭૦,૭૫૦ મતોની સામે ભાજપને ૬૪,૩૫૩ મતો મળ્યા હતા,

ઉપરાંત ૨૮ જેટલા અપક્ષ ઉમેદવારો ઊભા રાખવામા આવ્યા હતા, છતાં કોંગ્રેસને પ્રજાએ બીજી વખત પસંદ કરી હતી, આમ જામનગર ગ્રામ્ય બેઠક પર છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની મતદાનની ટકાવારીમાં વધારો થયો છે, તેની સામે ભાજપનો જનાધાર ઘટતો જાય છે. ૨૦૧૨માં ૩૩૦૪થી ભાજપની હાર સામે ૨૦૧૭માં સીધો ઉછાળો આવીને ૬૩૯૭ મતોથી ભાજપને હારવું પડ્યું હતું, આમ કુલ ૯૭૦૧ મતોની ખાધ પડી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. એક વાત નક્કી છે કે આ વિસ્તારની પ્રજા પક્ષપલ્ટુઓને અને ગમે તેવા નામના ધરાવતા મોટા ગજાના નેતાઓને પાડી દેવામાં શરમ રાખતા નથી, જે નજર સમક્ષ છે,

આ વખતે ભાજપ એકજૂટ થયું તો છે, પરંતુ મનોમંથન કરવાની જરૂર છે, નહિતર આ બેઠક મેળવવી મુશ્કેલ બને તો નવી નવાઈ નહિ. તેની સામે કોંગ્રેસે પણ આ બેઠક જાળવી રાખવા માટે પરિણામલક્ષી નિર્ણયો લેવા પડશે નહિતર જામનગર ગ્રામીણ પ્રજાને નિર્ણય બદલવામાં વાર નહી લાગે તે સ્પષ્ટ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.