Mysamachar.in-જામનગર:
ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરીને દરેક લોકસભા સીટ પર વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર લોકસભા સીટનું વિજય વિશ્વાસ સંમેલન ધ્રોલ ખાતે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાના તમામ ભાજપના હોદ્દેદારો ઉપરાંત વિશાળ સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી,

ધ્રોલ ખાતે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં પૂર્વ સ્પીકર રમણભાઈ વોરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, મંત્રી હકૂભા જાડેજા, પૂર્વ કૃષિ મંત્રી ચીમનભાઈ શાપરિયા, મૂળુભાઈ બેરા, લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમ, રાઘવજી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચનમાં સરકારની સિદ્ધિઓ જણાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા,

તેવામાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે પોતાના પ્રવચનમાં કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, હવે જામનગર જિલ્લાની ટીમ મજબૂત બની છે. ત્યારે ઉમેદવાર પૂનમબેન માડમ ગત વખતે ૧,૭૫,૦૦૦ની લીડથી ચૂંટાયા હતા. ત્યારે આ લીડમાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો અને જામનગર જિલ્લા ભાજપની ટીમના વખાણ કરીને પોતાની આગવી છટામાં જણાવ્યુ હતું કે, “જે સારું કરશે તેને સારું મળશે..” તેવા સંકેતો આપીને પોતાના પ્રવચનમાં સરકારની વિવિધ સિદ્ધિઓ વર્ણાવીને કાર્યકરોને પાનો ચડાવ્યો હતો.

હાર્દિક પટેલ મુદ્દે શું કહ્યું નીતિન પટેલે
સંમેલન પૂર્ણ થયા બાદ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જયારે નીતિન પટેલ ને પૂછવામાં આવ્યું કે હાર્દિક પટેલ કહે છે કે ભાજપ કાયદાકીય ગૂંચવણ ઉભી કરાવે છે તેવો આક્ષેપ છે જેના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરવામાં પણ હજુ સુધી અવઢવમાં છે,અને કહ્યું કે ઉમેદવાર કોણ થઇ શકે કે ના થઇ શકે તે ભાજપ નહિ ચુંટણીપંચ નક્કી કરે છે,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.