Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામતો જાય છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆતને હવે બે જ દિવસની વાર હોય ત્યારે કોંગ્રેસે પોતાના આણંદ,છોટાઉદેપુર સહિત ચારેક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અને ભાજપે પણ ૧૬ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, તેવામાં ઉમેદવારોની પસંદગીને લઈને ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. જે ધ્યાને લઈને કોંગ્રેસ ચીવટ રાખીને બાકીના ઉમેદવારોની જાહેરાત માટે ભારે મથામણ કરી રહી છે,

કોંગ્રેસ દ્વારા ગુજરાતના ૨૨ ઉમેદવારોને લઇને દિલ્હીમાં બેઠકો જામી છે. ભાજપે બે તબક્કામાં ગુજરાતમાં ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસેમાં સમીકરણો બદલાયાં છે જેના લીધે કોંગ્રેસે પણ જ્ઞાતિકાર્ડનું રાજકારણ ખેલીને સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતારવા કવાયત હાથ ધરી છે.

આમ જોવા બેસીએ તો કાનૂની ગૂચ વચ્ચે જામનગરમાં હાર્દિક પટેલને ચૂંટણી લડાવવી કે નહી તે અંગે હાઇકમાન્ડ મૂંઝવણમાં છે, રાજકોટમાં ભાજપે મોહન કુંડારીયાને ફરીથી રીપીટ કર્યા છે. તો તેની સામે કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલવા નક્કી કર્યુ છે. આ બેઠક પર સક્ષમ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવા તૈયારીઓ કરાઇ છે. પાટણમાં અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરે ભેગા મળીને કોણ ચૂંટણી લડશે તે નક્કી કરવા હાઇકમાન્ડે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે

જ્યારે જૂનાગઢમાં કોળી ઉમેદવારને ટિકીટ આપવા કોંગ્રેસની ગણતરી છે. પોરબંદરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ અપાય તેવી ચર્ચા છે. ભાજપના જાહેર કરેલ ૧૬ ઉમેદવારો સામે જ્ઞાતિગત,સ્થાનિક રાજકીય સમીકરણો આધારે ટિકીટ આપવા કોંગ્રેસે ગણતરી કરી રહ્યું છે અને ઉમેદવારોની પસંદગીને લઇને નારાજગીના સૂર ન ઉઠે તેને ધ્યાને રાખીને કોંગ્રેસે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી રણનીતિ ઘડવામાં આવી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.