mysamachar.in-જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર આવેલ ધ્રોલ ગામ..કેટલાય વર્ષોથી સતાવિમુખ રહેલા ભાજપને ગત નગરપાલિકાની ચુટણીમાં માંડ સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે,પણ આ સ્વાદ ભાજપની જીભે વધુ સમય ચોંટી રહે તેવું લાગતું નથી,કારણ કે ધ્રોલ ભાજપનું ઘર આંતરિક ડખાઓ ને કારણે છેલ્લા કેટલાક સમયથી એક યા બીજી રીતે સળગી રહ્યું તેમ લાગી રહ્યું છે,તાજેતરમાં જ યોજાયેલ ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચુંટણી બાદ ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા એ માજી ધારાસભ્ય રાઘવજી પટેલ અને તેના જૂથની નીતિરીતિ ની ટીકા કરતી એક અખબારી યાદી પણ પ્રસિદ્ધ કરી હતી,
આ બાબત હજુ નજર સામે જ છે ત્યાં આજે ફરી એક વખત ધ્રોલ નગરપાલિકામા ચૂંટાયેલ લઘુમતી સમાજના પાંચ સભ્યો એ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોને રજૂઆત કરતાં આ મામલો આગામી સમયમાં કઈક નવાજુની કરશે તેવા એંધાણ દર્શાવી રહ્યો છે,.
વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર સરીફાબેન અસરફભાઈ રફાય ના લેટરપેડ પર જે રજૂઆત કરવામાં આવી છે તેમાં લઘુમતી સમાજમાં થી ચૂંટાયેલ પાંચ સભ્યોની સહી સાથે સનસનીખેજ આક્ષેપો કરી અને લઘુમતી સમાજ પ્રત્યે કીન્નાખ્રોરી અને ઓરમાયું વર્તન ચૂંટાયેલ બોડી દ્વારા રાખવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત આ રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે લઘુમતી સમાજના વોર્ડમાં કોઈ પ્રકારના કામો કરવામાં નથી આવતા,અને જે સભ્યોને હોદાઓ આપ્યા છે તે હોદેદારનો માત્ર સહી કરવા પુરતો જ ઉપયોગ કરવામાં આવે છે,
તો બીજી તરફ પ્રમુખ પર આક્ષેપો કરતાં રજુઆતમાં જણાવાયું છે કે પ્રમુખની નજીકના સભ્યને રેતી,મોરમ અને ઈંટોના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે,અને સ્ટ્રીટલાઈટ નું ટેન્ડર પર લાગતા વળગતાઓ ને આપવામાં આવ્યાનો કથિત આક્ષેપ કરાયો છે,
રજૂઆત ના અંતમા એમ પણ જણાવાયું છે કે તાજેતરમાં જ લોકસભાની ચુંટણીઓ આવી રહી હોય લઘુમતી સમાજના ચુંટાયેલ સભ્યોના જ કામો ના કરવામાં આવતા હોય તો સમાજના મતો ભાજપને અપાવવામાં પણ મુશ્કેલી ઉભી થાય તેવું રજુઆતના અંતે જણાવી અને આ રજૂઆતની નકલ પ્રદેશ ભાજપ પ્રમુખ,મુખ્યમંત્રી,સંગઠન મંત્રી,સાંસદ,કૃષિ મંત્રી,જીલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ ને મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે,
પણ આ બાબત એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસની ઘોર ખોદવામાં વ્યસ્ત ભાજપનું ઘર પણ સુરક્ષિત નથી તે ધ્રોલ ભાજપના આંતરિક રાજકારણ એ આજે વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે.