Mysamachar.in:ગુજરાત
જામનગર હોય કે જલંધર કે પછી અમદાવાદ હોય કે ઔરંગાબાદ- તમામ મથકો પર જેલોનું સંચાલન કાયમ ચર્ચાઓનો વિષય રહ્યો છે. જેલોમાં ખૂંખાર કેદીઓ હોય છે જેઓ ગુનો કર્યા વિના એક દિવસ પણ જિવી શકતા નથી, જેને કારણે જેલોમાં સુરક્ષા અને સલામતી સ્ટાફની પણ ગુનાખોરીમાં સામેલગીરી બહાર આવી રહી છે ! જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
સામાન્ય લોકો કહેતાં હોય છે: જેલ જેલ નથી હોતી, ઘણાં બધાં ગુનેગારો માટે આ લાભપ્રદ સ્થળ છે ! અને, આ માન્યતાનો એક અર્થ એવો પણ થઈ શકે કે, જેલોનો સુરક્ષા સલામતી સ્ટાફ શંકાઓના દાયરામાં રહે છે ! જો કે આમ છતાં આ પ્રકારના દાગી સ્ટાફ વિરુદ્ધ ખાસ કોઈ કાર્યવાહીઓ થતી ન હોય, મોટાભાગની જેલો ગુનેગારો માટે મોજનું સ્થાન બની રહી હોવાની ચિંતાઓ સરકારના એક રિપોર્ટમાં જોવા મળે છે. અને જેલોની સુધારણા માટે આ રિપોર્ટમાં ભલામણો કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ વિભાગ અંગેની સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ પોતાનો એક રિપોર્ટ સરકારને સોંપ્યો છે. આ રિપોર્ટ કહે છે: ભારતીય જેલોમાં સૌથી વધુ દાણચોરી ગાંજા અને ફોનની થાય છે. પ્રતિબંધિત ચીજો જેલોમાં આસાનીથી પહોંચી જાય છે ! આ સમિતિએ વિવિધ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથેની ચર્ચાઓ બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસદના તાજેતરના વિશેષ સત્ર દરમિયાન બંને ગૃહોમાં આ રિપોર્ટ રજૂ થયો. સમિતિ કહે છે: દાણચોરી મારફતે જેલોની અંદર જે ફોન મોકલવામાં આવે છે તેની મદદથી જેલમાં રહેલાં ગુનેગારો પોતાની જેલ બહાર રહેલી ગેંગ ઓપરેટ કરે છે અને જેલની બહાર અન્ય ગુનાઓને અંજામ આપે છે ! ઘણાં કેસોમાં ફોનના કારણે જેલોની અંદર પણ ગેંગવોર ચાલતી હોય છે, ઝઘડાઓ થતાં હોય છે, જેમાં હત્યા પણ થઈ શકે છે !
આ સમિતિએ સરકારને જે રિપોર્ટ આપ્યો છે તેમાં ભલામણ કરવામાં આવી છે કે, જેલોમાં ચાલતી દાણચોરીઓ રોકવા જેલ અધિકારીઓએ ઈ-મુલાકાત અથવા વીડિયો કોન્ફરન્સ યોજવી જોઈએ. જેલોમાં થતી આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓમાં જેલ સ્ટાફ અથવા અધિકારીઓની ભૂમિકાઓ અને સામેલગીરીઓ પણ હોય છે. જેને રોકવા ગૃહ મંત્રાલયે કડક પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત તમામ જેલો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ ગોઠવવા પણ ભલામણ કરવામાં આવી છે. ભલામણોમાં એમ પણ કહેવાયું છે કે, જેલો પર દેખરેખ રાખવા ડ્રોન તથા સ્નીફર ડોગ સ્કવોડનો પણ અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ.






