Mysamachar.in:ગુજરાત
કોઈ પણ વ્યક્તિ પોતે એકલી જ અશ્લીલ વિડીયો કે સામગ્રી પોતાના મોબાઈલમાં નિહાળતી હોય તો એ તે વ્યક્તિની પસંદગીનો અંગત મામલો છે. કોઈ પણ અદાલત આ બાબતને ગુનો જાહેર ન કરી શકે, એમ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે અને જેના પર કેસ હતો તે યુવકને અદાલતે છોડી મૂકયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના કેસ પોલીસ દ્વારા આઈપીસીની કલમ-292 હેઠળ નોંધવામાં આવતાં હોય છે.
એક યુવક વિરુદ્ધ 2016માં આ ગુનો પોલીસે દાખલ કર્યો હતો. યુવકે આ FIR રદ્દ કરાવવા વડી અદાલતમાં અરજી કરી હતી. વડી અદાલતે કહ્યું: એકલા અશ્લીલ વિડિયો નિહાળવો ગુનો બનતો નથી. તે વ્યક્તિની પસંદગીની બાબત છે. અશ્લીલ સામગ્રી વિશ્વભરમાં સદીઓથી ઉપલબ્ધ છે. આ પ્રકારની સામગ્રી કોઈને દેખાડયા વિના મોબાઈલમાં એકલાં જોવું ગુનો બનતો નથી. હાઈકોર્ટે કહ્યું: તેને ગુનો બનાવવો એ વ્યક્તિની ગોપનીયતામાં ઘૂસણખોરી અને તેની અંગત પસંદગીમાં દખલ હશે. આ સાથે હાઈકોર્ટે 33 વર્ષના યુવક વિરુદ્ધનો આ કેસ રદ્દ કર્યો છે.
આ યુવકને પોલીસે 2016માં રોડના કિનારે ઉભા રહી આ અશ્લીલ વિડિયો નિહાળતો પકડયો હતો અને કેસ દાખલ કર્યો હતો. અદાલતે કહ્યું: અશ્લીલ સામગ્રીઓ સદીઓથી ટ્રેન્ડમાં છે. અદાલતે સ્પષ્ટતા કરી કે, જો કોઈ આરોપી અશ્લીલ વિડિયો કે ચિત્ર પ્રસારિત કે વિતરિત કરવાનો કે જાહેરમાં તેને પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે તો આઈપીસીની કલમ 292 હેઠળ તે ગુનો બને છે.
અદાલતે એમ પણ કહ્યું કે, માતાપિતાએ પોતાના બાળકોને મોબાઇલ આપતી વખતે મોબાઇલના જોખમો ધ્યાનમાં રાખવા જોઈએ અને એ અંગે બાળકોને ચેતવણી પણ આપવી જોઈએ. સગીર બાળકોને ખુશ કરવા તેઓને મોબાઇલ આપવાથી વાલીઓએ દૂર રહેવું જોઈએ.



