Mysamachar.in:ગુજરાત
સાધારણ યુવાનો કારકિર્દી ઘડવા અથવા આજિવીકા મેળવવા રોજગાર કચેરીઓમાં નામો નોંધાવી સંતોષ માને છે, તેનાથી સહેજ વધુ હોંશિયાર હોય એવા યુવકયુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં વ્યસ્ત રહે છે પરંતુ અતિ હોંશિયાર યુવાઓ કોઈ જ ચિંતાઓ કર્યા વિના એકાદ રાજકીય પક્ષનો ખેસ ધારણ કરી લ્યે છે અને સડસડાટ પ્રગતિ કરે છે ! રાજકારણમાં જબ્બર આવકો છે. પૈસો બનાવવો ડાબા હાથનો ખેલ છે. ગામડાંઓમાં ગાડાંઓ ચલાવનારાઓ જોતજોતામાં શહેરોમાં મોંઘીદાટ કારો દોડાવવા માંડે છે. જો કે રાજકારણમાં બધાંને તકો ન મળે પરંતુ આવડત મોટી ચીજ છે. માત્ર નેતાઓ જ નહીં, રાજકીય પક્ષોની આવકો અને સંપત્તિઓ વધી રહી છે.
તાજેતરમાં એક રિપોર્ટ જાહેર થયો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)નો રિપોર્ટ જણાવે છે કે, 2004/05 થી લઈને 2021/22 સુધીમાં, એટલે કે પાછલાં 18 વર્ષમાં રાજકીય પક્ષોની સંપત્તિઓમાં 1,947 ટકાનો વધારો થયો. સાદી ભાષામાં સંપત્તિમાં 18 વર્ષમાં વીસેક ગણો વધારો થયો. 2020/21 માં 8 રાષ્ટ્રીય પક્ષોની કુલ સંપત્તિ 7,297 કરોડ રૂપિયા હતી જે 21 ટકા વધીને 2021/22 માં રૂ.8,829 કરોડને પાર થઈ ગઈ છે. 2004/05માં ભાજપાની સંપત્તિ રૂપિયા 122 કરોડ હતી, જે વર્ષ 2021/22માં વધીને રૂ.6,046 કરોડ પર પહોંચી છે.
સંપત્તિના વધારામાં ભાજપા પછી કોંગ્રેસ જો કે બીજા નંબરે જ છે પરંતુ ભાજપા કરતાં તેનાં આંકડા ખૂબ નાના છે. વર્ષ 2004/05 પછી અઢાર વર્ષમાં કોંગ્રેસની સંપત્તિમાં 380 ટકાનો વધારો થયો છે. સંપત્તિ 167 કરોડ હતી તે 805 કરોડ રૂપિયા થઈ છે. એક વર્ષ પહેલાં આ આંકડો 691 કરોડ રૂપિયાનો હતો. સામ્યવાદી પક્ષ પાસે 735 કરોડની સંપત્તિ છે. તેની સંપત્તિમાં 700 ટકાનો વધારો થયો છે. માયાવતીની BSPની સંપત્તિ 693 કરોડ રૂપિયા છે. જે 1,500 ટકા વધી. મમતાની પાર્ટીની સંપત્તિ 458 કરોડ રૂપિયા છે. જે 18 વર્ષ પહેલાં માત્ર રૂપિયા 25 લાખ હતી. શરદ પવારની પાર્ટી પાસે માત્ર 74 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ આંકડા સેટ કરવામાં સૌથી વધુ ચબરાક દેખાઈ રહ્યા છે.






