Mysamachar.in:ગુજરાત
મોબાઇલ ફોનનાં સીમકાર્ડની દુનિયા અત્યંત રસપ્રદ અને ગુનાખોરીની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ પણ છે. આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારનાં કુંડાળા અને કાંડ ચાલતાં રહે છે. સ્થાનિક સ્તરે તેમાં ઘણી જ બેકાળજી અને સામેલગીરી પણ જોવા મળતી હોય છે, જેને કારણે ગુનાહિત માનસ ધરાવતાં તત્વો ગોઠવણ કરવામાં સફળ થતાં હોય છે. આ બાબત ધ્યાનમાં રાખી, આગામી ઓક્ટોબરથી આ દિશામાં નિયમોની અમલવારી કડક બનાવવા જાહેરાત થઈ છે.
એવું જાહેર કરવામાં આવ્યું છે કે, ડિજિટલ ફ્રોડ અને ભાંગફોડની પ્રવૃતિઓ અટકાવવા સીમકાર્ડ વેચતાં ડીલરોનાં વેરિફિકેશનની કામગીરી સઘન બનાવવામાં આવી રહી છે. આ માટેનાં નિયમો કડક બનાવવામાં આવ્યા છે અને એક ઓક્ટોબરથી તેનો અમલ પણ શરૂ થઇ જશે. આ માટેની જવાબદારી સંબંધિત ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને સોંપવામાં આવી છે. તેઓએ ડીલરનાં તમામ દસ્તાવેજ ચકાસવાના રહેશે. સરકારે ડીલર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. જેનાં ભંગ બદલ રૂપિયા 10 લાખનો દંડ થઇ શકશે. જો કે આ માટે હાલ ડીલરોને 6 માસનો સમય પણ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પોઇન્ટ ઓફ સેલ ડીલર માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, પ્રિન્ટેડ આધારકાર્ડનાં દુરઉપયોગને રોકવા તેનો QR કોડ સ્કેન કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કે, સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીમકાર્ડ લેવા આધારકાર્ડ ફરજિયાત નથી. દુરઉપયોગ રોકવા સરકારે બાવન લાખથી વધુ સીમકાર્ડ રદ્દ કર્યા છે. 67,000 ડીલરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. 300થી વધુ ડીલર વિરુદ્ધ FIR પણ થઈ છે. વોટસએપ પર 66,000 એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. 8 લાખથી વધુ બેંક વોલેટ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
દરેક ટેલિકોમ ઓપરેટરે ડીલર અને તેનાં બિઝનેસ સંબંધિત તમામ દસ્તાવેજોની પૂરતી ચકાસણી અગાઉથી જ કરી લેવાની રહેશે. અગાઉનાં નિયમોમાં આ જોગવાઈઓ આટલી કડક ન હતી. હાલ દેશમાં 10 લાખથી વધુ સીમકાર્ડ ડીલર છે.






