Mysamachar.in:ગુજરાત
અદાલતોની વારંવારની ટીપ્પણીઓ પછી પણ ટીવી ચેનલોમાં સ્વ નિયમનની દિશામાં ખાસ કોઈ ફેરફારો થતાં ન હોય, આગામી દિવસોમાં આ સ્વ નિયમન કડક બને તે આશયથી સર્વોચ્ચ અદાલત નવેસરથી માર્ગદર્શિકા તૈયાર કરવા ચાહે છે અને આ માટે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ મેળવવામાં આવશે.
મોટાભાગની ટીવી ચેનલ પર સ્વ નિયમન જોવા મળતું નથી. સમાચારો અને દ્રશ્યો તથા ચેનલો પરની ડિબેટસ અંગે અવારનવાર વિવાદો ઉઠતાં રહે છે. વિવિધ વડી અદાલતો તથા ખુદ સર્વોચ્ચ અદાલતે પણ આ મુદે એક કરતાં વધુ વખત પોતાની નારાજગીઓ વ્યક્ત કરવી પડે છે. આ સ્થિતિ નિવારવા અને સમાચાર તથા કાર્યક્રમોનાં સ્વ નિયમન મુદે ચેનલો વધુ સારું પ્રદર્શન નોંધાવી શકે તે માટે સર્વોચ્ચ અદાલત ફરી સક્રિય બની છે અને આ માટે એક ગાઈડલાઈન લાવવાની તૈયારીઓ આરંભી છે.
સર્વોચ્ચ અદાલતનો મત એવો છે કે, જ્યાં સુધી આ માટેનાં નિયમો કડક બનાવવામાં નહીં આવે ત્યાં સુધી ચેનલો તેનું પાલન નહીં કરે. આ ઉપરાંત અદાલતે કહ્યું છે કે, હાલમાં આ પ્રકારના કિસ્સાઓમાં ચેનલો પર લાદવામાં આવતો રુ.એક લાખનો દંડ પણ અપૂરતો છે. દૈનિક કરોડો રૂપિયાની આવક ધરાવતી ચેનલો માટે આ દંડ એકદમ સામાન્ય છે. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ પી.આર.નરસિંહા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ જણાવે છે કે, ચેનલોનાં સંગઠનનાં પ્રતિનિધિઓ અને વકીલો કહે છે કે, ચેનલો સ્વ નિયમન રાખે છે. પરંતુ તેઓની આ દલીલો સાથે અદાલતમાં કેટલાં લોકો સંમત થશે ?
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ બોમ્બે હાઇકોર્ટ દ્વારા પણ સ્વ નિયમન મુદે ટીપ્પણીઓ થઈ છે. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, NBAએ આ મામલે અદાલતનાં ન્યાયમૂર્તિઓ પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. ચેનલોનાં સ્વ નિયમન મુદે સલાહ માંગવી જોઇએ અને આ મુદે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ જાણવામાં આવશે અને ત્યારબાદ એક ગાઈડલાઈન તૈયાર કરવાની આવશ્યકતા છે.






