Mysamachar.in:ગુજરાત
સામાન્ય રીતે કોઈ પણ ગ્રાહકને કોઈ પણ કંપની સંબંધિત કાંઇ પણ પ્રશ્ન કે સમસ્યા હોય અથવા કોઈ જાણકારી હાંસલ કરવાની હોય છે ત્યારે આ ગ્રાહક જેતે કંપનીનાં હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરતાં હોય છે. સામાન્ય રીતે આ પ્રકારનાં નંબર 1800 થી સ્ટાર્ટ થતાં હોય છે એટલે ગ્રાહકને તરત આ નંબર પર વિશ્વાસ બેસી જતો હોય છે. અને ગ્રાહક આ નંબર પર સંપર્ક કરતાં હોય છે. આ નંબર પર ફોન રિસિવ કરનાર વ્યકિત ફોન કરનાર સાથે ખૂબ જ સુંદર રીતે વાત કરતી હોય છે. એટલે ફોન કરનાર ગ્રાહક વધુ આશ્વસ્ત બની જતો હોય છે અને પછી, સામે છેડેથી ખેલ શરૂ થઈ જાય છે અને ગ્રાહકને આ નંબર દ્વારા છેતરી લેવામાં આવે છે ! આ પ્રકારનાં સાયબર ક્રાઈમ ઘણાં નોંધાઇ રહ્યા છે !
સામાન્ય રીતે આ પ્રકારનાં ટોલ નંબર ધરાવનારાઓ તમારી વાત અથવા સમસ્યાને સારી રીતે સમજી લે છે અને પછી તમને વોટસએપ પર કોઈ લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરતાં જ તમારી સામે કોઈ વેબ પેજ આવે છે, જેમાં તમારી વાત સાથે સંબંધ ધરાવતી કેટલીક વિગતો હોય છે ! પરંતુ તે દરમિયાન તમે કશું વાંચો કે સમજો એ પહેલાં જ તમારું બેંક ખાતું ખાલી થઈ જાય છે અને આ હેલ્પલાઇન નંબર ડિસકનેકટ થઈ જતો હોય છે અને બાદમાં તમને ખબર પડે કે, તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે ! તમે લૂંટાઇ ગયા પછી લાચાર બની જાઓ છો અને સાયબર ક્રાઈમ બ્રાંચ ખાતે ફરિયાદ દાખલ કરવાથી વધુ તમે કશું કરી શકતાં નથી.
આ કાલ્પનિક વાત નથી. ઘણાં લોકો આ રીતે છેતરાઈ રહ્યા છે ! ઘણી વખત એવું પણ બને કે આ પ્રકારનો હેલ્પલાઇન નંબર ખરેખર સરકારી એટલે કે ઓફિશિયલ હોય છે, જે બાદમાં રદ્દ થઈ ગયેલો હોય છે. ઘણી ખાનગી કંપનીઓનાં હેલ્પલાઇન નંબર એટલે કે કસ્ટમર કેર નંબરનાં નામે તમને છેતરી લેવામાં આવતાં હોય છે, એવું પણ બની શકે છે. આ પ્રકારની છેતરપિંડીથી બચવા ઓફિશિયલ સાઇટ અથવા સતાવાર નંબરનો સંપર્ક કરવો જોઈએ.
ગુજરાત સીઆઇડી ક્રાઇમનો સાયબર ક્રાઈમ સેલ કહે છે, આ પ્રકારની બાવન હેલ્પલાઇન પોલીસનાં સ્કેનર હેઠળ છે. આ પ્રકારની સાઇટનાં સર્વર ચાઇનામાં હોવાનું બહાર આવ્યું છે. નડિયાદનાં એક પટેલ યુવાને તાજેતરમાં રેલવે ટિકિટ કેન્સલ કરાવી, તેની સાથે આ પ્રકારે છેતરપિંડી થઈ છે ! ખૂબીની વાત એ પણ છે કે, આ માટેનો જે હેલ્પલાઇન નંબર હતો તે નંબર અગાઉ બે સરકારી વિભાગ, પાંચ મલ્ટિનેશનલ કંપનીઓ અને બે બેકિંગ પેઢીઓ દ્વારા ઉપયોગમાં લેવાયો હતો એવું તપાસમાં સામે આવ્યું છે.
આ પ્રકારની છેતરપિંડીથી બચવા ગૂગલ પરથી મેળવવામાં આવેલાં હેલ્પલાઇન નંબરને ક્રોસ ચેક કરો. નંબર ખરો છે કે ખોટો ? તે તપાસ પછી જ આવા નંબરોનો ભરોસો કરવો જોઇએ.






