Mysamachar.in:ગુજરાત
જુદાં જુદાં કારણોસર દુષ્કર્મની ફરિયાદોની સંખ્યા દિન પ્રતિદિન સતત વધી રહી છે. આ સ્થિતિમાં દરેક ફરિયાદની તટસ્થ અને ઝડપી તપાસ ઇચ્છનીય હોય છે, કેમ કે કોઇ વ્યકિત પરનો ખોટો આરોપ માઠાં પરિણામ સર્જી શકતો હોય છે. આ મુદ્દા પર સર્વોચ્ચ અદાલતે એક મહત્ત્વનો ચુકાદો આપતાં દુષ્કર્મની FIR રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.
એક આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારબાદ આ મામલો પ્રથમ સ્થાનિક અદાલત અને બાદમાં વડી અદાલતમાં પહોંચ્યો હતો. વડી અદાલતમાં એવી અરજી થઈ હતી કે, આ FIR રદ્દ કરવામાં આવે. કેમ કે, ફરિયાદ ખોટી છે. જોકે, વડી અદાલતે આરોપીની અરજી ફગાવી દીધી હતી. બાદમાં, વડી અદાલતનાં આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ બી.જે.પારડીવાલાની ખંડપીઠ સમક્ષ આ કેસ આવ્યો. ખંડપીઠે આ મામલાની સુનાવણી દરમ્યાન અવલોકન કર્યું કે, જયારે કોઈ આરોપી આ આધાર પર FIR રદ્દ કરાવવા કોર્ટમાં પહોંચે છે ત્યારે સ્પષ્ટ રીતે આવી કાર્યવાહી પરેશાની પેદા કરે છે અને આવા સંજોગોમાં અદાલતોએ FIR ધ્યાનથી જોવી જોઈએ.
ખંડપીઠે કહ્યું : એ વાતને અવગણી શકાય નહીં કે, બળાત્કાર પીડિતાને અસહ્ય વેદના અને અપમાન સહન કરવા પડતાં હોય છે. પરંતુ તે જ રીતે જો બળાત્કારનો આરોપ ખોટો હોય તો, તે બાબત આરોપી માટે સમાન વેદના, અપમાન અને નુકસાનનું કારણ બની શકે છે. બળાત્કારનાં ખોટાં કેસમાંથી વ્યકિતને બચાવવી જરૂરી છે.
અદાલતે એમ પણ કહ્યું કે, ફરિયાદીએ સુનિશ્ચત કરવું પડશે કે, ફરિયાદમાં આપેલાં નિવેદનો એવા હોય કે, કથિત ગુનાનો કેસ નકકર બની શકે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કોર્ટની ફરજ છે કે- તે કેસનાં રેકોર્ડમાં જે દેખાય છે તે સિવાયનાં સંજોગો પર પણ ધ્યાન આપે, કેસને સમગ્ર રીતે તપાસે અને તથ્યોને સમજવાનો કાળજીપૂર્વક પ્રયાસ કરે. અને આ અવલોકન સાથે સર્વોચ્ચ અદાલતે બળાત્કાર તથા ગુનાહિત ધમકીની આ ફરિયાદ રદ્દ કરવા આદેશ આપ્યો.






