Mysamachar.in:ગુજરાત
રાજ્યમાં શિક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, શાળા પ્રવેશોત્સવ સહિતનાં કાર્યક્રમો પણ વિશાળ ફલક પર યોજવામાં આવી રહ્યા છે. સ્કૂલ ઓન વ્હીલ્સ જેવાં સુંદર પ્રયોગો અને પ્રયાસો પણ થઈ રહ્યા છે. છતાં પણ રાજ્યમાં દર વર્ષે હજારો છાત્રો અને છાત્રાઓ અધૂરાં અભ્યાસે શાળાઓ છોડી રહ્યા છે ! આ ટ્રેન્ડ ખરેખર ગંભીર અને ચિંતાપ્રેરક છે.
અભ્યાસ કરતાં કરતાં બાળકો શાળાઓ છોડી દે, તેઓ પુખ્ત બન્યા બાદ શું કરી શકે ? શિક્ષણનું મહત્વ ન સમજી શકેલાં આ લોકોનાં બાળકો ભવિષયમાં શિક્ષણ કેવી રીતે મેળવી શકે ?! આ પ્રકારનાં હજારો નાગરિકો સમૃધ્ધ ગુજરાત માટે ચિંતા અને શરમનો વિષય લેખી શકાય. તાજેતરમાં કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ જાહેર થયો છે. જેમાં ડ્રોપ આઉટ ટકાવારી જણાવવામાં આવી છે. તેમાં ગુજરાતનાં આંકડા ગમગીની સર્જે એ પ્રકારના છે. અન્ય કેટલાંક રાજયોની સરખામણીમાં ગુજરાતમાં સ્થિતિ દુ:ખદ છે.
આ રિપોર્ટ જણાવે છે કે, રાજ્યમાં ધોરણ 6 થી 10 નાં વિદ્યાર્થીઓમાં શાળાઓ છોડવાનો ટ્રેન્ડ વધુ જોવા મળે છે. આ રિપોર્ટ વર્ષ 2021/22 નો છે. જે જણાવે છે કે, રાજ્યમાં ધોરણ 6 થી 8 માં ડ્રોપ આઉટ રેશિયો 5 ટકા છે. અને, ધોરણ 9 તથા 10 માં ડ્રોપ આઉટ રેશિયો 17.9 ટકા જેટલો ઉંચો છે ! ટૂંકમાં, SSC પહેલાં હજારો બાળકો શાળાઓને ટાટાબાયબાય કહી દે છે ! જો કે, 1 થી 5 ધોરણ સુધી ભણવામાં બાળકો કે વાલીઓને કશી તકલીફ નથી. આ વિભાગમાં સૌ હોંશે હોંશે ભણે છે. કન્યા કેળવણી માટે પણ ઘણી મહેનત થતી જોવા મળે છે. પરંતુ આ જ બાળાઓ પછી અભ્યાસ છોડી દેવાનું વલણ દેખાડે છે. ધોરણ 6 થી 8 માં 4.2 ટકા છોકરાઓ અને 5.8 ટકા છોકરીઓ શાળાઓ છોડી દઈ અન્ય કામોમાં વ્યસ્ત થઈ જાય છે ! ધોરણ 9-10 માં 19.4 ટકા છોકરાઓ અને 15.9 ટકા છોકરીઓ અભ્યાસ છોડી દે છે !






