Mysamachar.in-ગુજરાત:
રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફાયર વિભાગમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલે છે જેમાં NOC થી માંડીને ફાયર સીસ્ટમ લગાવવા સુધીની ગોઠવણોને કારણે ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારમાં સપડાઈ ગયો હોય તેમ લાગે છે. આજે રાજ્યમાં બે જીલ્લામોમાં એસીબીએ સફળ ટ્રેપ કરી અને ફાયર વિભાગના બે લાંચિયા અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પંચમહાલ જીલ્લાની વાત કરીએ તો..
આ કેસમાં ફરિયાદીએ સને.2021મા પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડેલ,જેની એન.ઓ.સી. રીન્યુ કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ, ગોધરા ખાતેથી વર્ક ઓર્ડર મળેલ જેથી ફરીયાદીએ ગોધરા નગરપાલીકાની વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ એન.ઓ.સી.રીન્યુ કરવા અરજી કરી એન.ઓ.સી. રીન્યુ કરવા માટેની ભરવાની થતી ફી રૂ.3500 ભરેલ તેમ છતા…
એન.ઓ.સી. રીન્યુ ન થતા તા.03/07/2023 ના રોજ ગોધરા ખાતે વિભાગીય ફાયર અધિકારીની ઓફીસે જઇ પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકી વિભાગીય ફાયર અધિકારીને મળતા એન.ઓ.સી. આપવા માટે રૂ.30,000 ની માંગણી કરેલ જેથી ફરીયાદીએ ફાયર અધિકારીને રૂ.30,000 ની સગવડ થયેથી આપી દેવા જણાવતા પૈસાના ભૂખ્યા એવા પ્રવીણસિંહે એન.ઓ.સી.આપેલ. જે બાદ ફરીયાદીએ ફાયર અધિકારીને તેઓના મોબાઇલ ફોન ઉપર વાતચીત કરતા તેને રૂ.30,000 ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આક્ષેપિત ફાયર અધિકારી પ્રવીણસિંહ સોલંકી એ હેતુલક્ષી વાતચીત કરી લાંચના 30,000 સ્વીકારતા ઝડપાઈ ગયો હતો.
જયારે બીજી ટ્રેપ આણંદ જીલ્લામાં પણ ફાયર વિભાગના અધિકારી પર જ થઇ છે જેની વાત કરીએ તો આ કેસમાં ફરીયાદીના મિત્ર ફાયર સેફટી સાધનો વેચવાનુ તથા ફીટીંગ કરવાનો વ્યવસાય કરે છે. જેથી તેઓએ ખંભાત ખાતે આવેલ તૈયબીયાહ એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટીના સાધનો લગાડવાનુ કામ રાખી પુર્ણ કરેલ અને તેનુ સરકારી ધારા ધોરણ મુજબ ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવા ખંભાત નગરપાલીકામાં ફાયર સેફટી કચેરીમાં અરજી કરેલ…
જે અંગેની એન.ઓ.સી. આપવા માટે નાઝીમ ઝાફર આગા, ફાયર ઓફિસર, ફાયર બિગ્રેડની કચેરી, ખંભાત નગરપાલીકા, ખંભાત, જી.આણંદવાળાએ ફરીયાદી પાસે રૂ.45000 ની લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે રૂ. 40,000 આપવાના નકકી થયેલ. પરંતુ ફરીયાદી તથા તેમના મિત્ર આ લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ. 40,000 સ્વીકારતા આ અધિકારી પણ ઝડપાઈ ગયા આમ ફાયર વિભાગમાં એક જ દિવસમાં બે-બે એસીબીની ટ્રેપે રાજ્યભરમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે.






