Mysamachar.in:ગુજરાત
કરોડો કર્મચારીઓ અને અધિકારીઓ એમ માની રહ્યા છે કે, લોકસભા ચૂંટણી આવી રહી હોય, સરકાર મહેરબાન થશે. કોઈ ફાયદાની વાત જાહેર થઈ શકે છે. પરંતુ આ વખતે વાતાવરણ કાંઈક અલગ છે. નવો લાભ તો એક બાજુ રહ્યો, દર દસ વર્ષે આવતાં નવા પગારપંચની પદ્ધતિમાં પણ ફેરફાર આવી રહ્યો છે. નવું પગારપંચ રચાશે જ નહીં, એવું સમજાઈ રહ્યું છે.
કેન્દ્ર સરકારનાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકાર દર દસ વર્ષે નવું પગારપંચ બેસાડે છે, જેની ભલામણોને આધારે કર્મચારીઓનાં પગારભથ્થાં વધતાં હોય છે. અને, પરંપરા મુજબ તેનાં આધારે રાજ્યોમાં પણ કર્મચારીઓનાં પગારભથ્થાં વધતાં રહે છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર આ ફોર્મ્યુલા બદલવા તૈયારી કરી રહી છે. પગારપંચના આધારે પગારવધારો આપવાને બદલે સરકાર કર્મચારીઓને કામગીરી આધારિત પગારવધારો આપશે એવું દેખાઈ રહ્યું છે.
છેલ્લે 2014 માં, સાતમું પગારપંચ રચાયું હતું. જેનાં આધારે હાલ કરોડો કર્મચારીઓ પગારભથ્થાં વધારો મેળવી રહ્યા છે. પરંતુ હવે 2024 માં, સમય પાક્યો છે પરંતુ આઠમું પગારપંચ રચાશે નહીં. સરકાર કહે છે : આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી. સરકાર નવી ફોર્મ્યુલા વિચારી રહી છે. કર્મચારીઓને પરફોર્મન્સ આધારિત પગારવધારો આપવા અંગે વિચારણા ચાલી રહી છે. જેઓ કામગીરી કરશે તેઓને જ પગારવધારો મળે. જો કે કર્મચારીઓની આર્થિક સલામતી જોખમાય નહીં તે બાબતનું સરકાર ધ્યાન આપશે. પરંતુ પગારપંચનો લાડવો હવે ઝૂંટવાઈ જશે, એ લગભગ નિશ્ચિત બની ચૂક્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમું પગારપંચ 2014 માં રચાયા બાદ 2016 માં તેની ભલામણો અમલમાં આવી. ત્યારથી કરોડો કર્મચારીઓ અને અધિકારીઓ આ ભલામણો મુજબ પગારભથ્થાં વધારો મેળવી રહ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને જૂન-2023 મુજબ, 42 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે જેમાં 4 ટકાનો વધારો કરવામાં આવશે.
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સરકારની આ નવી ફોર્મ્યુલા અંગે સૌને અવગત કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, પરફોર્મન્સના આધારે દરેક કર્મચારી અને અધિકારીને રેટિંગ આપવામાં આવશે. અને આ રેટિંગનાં આધારે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કેવી રીતે પગારભથ્થાં વધારો આપી શકાય ? તે અંગેની ફોર્મ્યુલા પર સરકાર હાલ કામ કરી રહી છે. જો કે સૂત્રો એમ પણ કહે છે કે, આ રેટિંગ ભવિષ્યમાં બબાલ સર્જી શકે છે.






