Mysamachar.in:ગુજરાત
એક જમાનામાં આ રોગને રાજરોગ કહેવામાં આવતો. લોકો આજે કેન્સર અને હાર્ટ એટેકના નામથી ભડકે છે તેનાં કરતાં પણ વધુ ભયથી ટીબી નાં નામથી થરથરી ઉઠતાં. સરકારી મશીનરી અને તબીબોએ આ રોગને ઘણાં અંશે અંકુશમાં રાખ્યો છે આમ છતાં ટીબી ઉર્ફે ક્ષય નામનો આ રોગ આજની તારીખે ઘણાં ગુજરાતવાસીઓને ભરખી રહ્યો છે.
ટીબીનો રોગ ચેપી હોવા ઉપરાંત દર્દીનાં શરીરને સતત ઘસી નાંખે છે. આ ઘસારો સંખ્યાબંધ કિસ્સાઓમાં મોતનું કારણ બને છે. ટીબી સ્વસ્થ માણસને પણ લાગુ પડી શકે છે. વાતાવરણનો ભેજ, ધૂળની એલર્જી, ઔદ્યોગિક પ્રદૂષણ અને ધૂમ્રપાનનું વ્યસન જેવા અનેકવિધ કારણોથી થતો આ રોગ આજની તારીખે માણસ પર હાવી છે, સઘન અને આધુનિક સારવાર છતાં પણ !
તબીબીજગત માટે પડકાર સમાન ટીબી આજે પણ ગુજરાતમાં દર વર્ષે હજારો લોકોને ભરખી જાય છે. આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં 2020 માં નોંધાયેલા ટીબીનાં દર્દીઓની સંખ્યા 1,20,560 રહી હતી જે પૈકી 6,870 દર્દીઓ મોતને ભેટ્યા હતાં. 2021 માં દર્દીઓની સંખ્યા 1,44,731 અને તે પૈકી 5,472 દર્દીઓનાં મોત થયા. 2022 ની સાલમાં નોંધાયેલા દર્દીઓ 1,51,912 અને તે પૈકી મોતને શરણ થયેલાં દર્દીઓની સંખ્યા 6,846 રહી ! આ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન નોંધાયેલા દર્દીઓ 60,585 અને આ પાંચ જ મહિનામાં 3,190 લોકોને ટીબી ભરખી ગયો ! એ રીતે જૂઓ તો, આ રોગની ભયાનકતા ઓછી નથી. જાગૃતિ આવશ્યક છે. શરૂઆતમાં જ સારવાર શરૂ કરવી જરૂરી બની જાય છે.
ટીબીનાં દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં છઠ્ઠા ક્રમે છે પરંતુ આ વર્ષે મોતની સંખ્યામાં રાજય દેશમાં ચોથા ક્રમે રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેસ પૈકી પાંચ ટકા દર્દીઓની ઉંમર 15 વર્ષથી નીચેની છે. 15-44 વયજૂથના કેસો 57 ટકા છે. 28 ટકા દર્દીઓ 45-64 વયજૂથના છે. 10 ટકા દર્દીઓ વૃદ્ધ એટલે કે 65 વર્ષથી વધુ ઉંમરના છે. આ આંકડા તાજેતરમાં રાજ્યસભામાં મૂકવામાં આવ્યા હતાં.






