Mysamachar.in:ગુજરાત
RTI ઉર્ફે જાહેર માહિતી અધિકાર ઘણી બધી બાબતોમાં આશિર્વાદરૂપ પૂરવાર થાય છે. હવે આ અધિકાર રાજકીય પક્ષો સુધી પહોંચી રહ્યો છે, રાજકીય પક્ષોને RTIનાં દાયરામાં લાવવા જોઈએ એવી ઘણી બધી અરજીઓ સુપ્રિમ કોર્ટમાં દાખલ થતાં, અદાલતે કહ્યું છે – આ મુદ્દાની વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું : આ તમામ અરજીઓની સુનાવણી આગામી પહેલી ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો સુપ્રિમ કોર્ટમાં ઘણાં સમયથી પેન્ડિંગ છે. આ અરજીઓ સ્વીકારતી વખતે જો કે અદાલતે એમ પણ કહ્યું કે, કોઈ પણ રાજકીય પક્ષ કોઈ ઉમેદવારને ટિકિટ આપે ત્યારે આપણે તે પક્ષને એમ ન પૂછી શકીએ કે, આ ઉમેદવારને શા માટે ટિકિટ આપી ?
સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ પ્રશાંત ભૂષણે એમ જણાવ્યું હતું કે, વર્ષ 2008 માં કેન્દ્રીય માહિતી આયોગે કહ્યું હતું કે – રાજકીય પક્ષોને RTIનાં દાયરામાં લાવવા જોઈએ. વધુમાં ભૂષણે કહ્યું : લોકશાહીમાં નાગરિક પાસે પૂરતી માહિતી અને વિગતો હોવી જોઈએ. બંધારણીય લોકશાહીનું સંચાલન સારી રીતે થાય તે માટે નાગરિકો પાસે માહિતી અને વિગતો હોવી આવશ્યક છે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું : ઘણાં બધાં રાજ્યોમાં ધારાસભ્યોને સત્તાવાર બંગલાઓ આપવાનાં મુદ્દે છૂટછાટો આપવામાં આવે છે, રાજકીય પક્ષોને દાન આપનારાઓને આવકવેરા વિભાગ કેટલીક છૂટછાટો આપે છે, રાજકીય પક્ષો બંધારણીય રીતે ચૂંટણી પંચનાં નિયંત્રણમાં છે, ચૂંટણી પંચ ધારાસભ્યો અને સાંસદોને ગેરલાયક ઠરાવવાનો અધિકાર પણ ધરાવે છે, નેશનલ બ્રોડકાસ્ટર્સ પર રાજકીય પક્ષોને ફ્રી એર ટાઈમ આપવામાં આવે છે – આ બધી બાબતો દર્શાવે છે કે, રાજકીય પક્ષોને RTIનાં દાયરામાં લાવી શકાય.
જો કે સરકાર વતી સુપ્રિમ કોર્ટમાં હાજર રહેલાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સઘળી દલીલોનો પ્રતિકાર કર્યો. સરકાર નથી ચાહતી કે, રાજકીય પક્ષો RTIનાં દાયરામાં આવે. તેમણે કહ્યું : એટર્ની જનરલ હાલ અદાલતમાં ઉપસ્થિત ન હોય, આ મેટર હાલ મુલત્વી રાખવામાં આવે. ત્યારબાદ સુપ્રિમ કોર્ટે કહ્યું : આ મેટરની સુનાવણી આગામી પહેલી ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. સિનિયર એડવોકેટ ગોપાલ શંકરનારાયણે કહ્યું : અદાલતે અગાઉ ચુકાદો આપ્યો છે કે, દરેક રાજકીય પક્ષોએ પોતાનાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ લોકોની જાણ માટે ઓનલાઈન મૂકવો જોઈએ. પરંતુ રાજકીય પક્ષો આમ કરતાં નથી. એડવોકેટ પી.વી. દિનેશે કહયુ : રાજકીય પક્ષોની નાણાંકીય બાબતો અને દાનની વિગતો લોકો સમક્ષ રજુ થવી જોઈએ.






