Mysamachar.in:ગુજરાત
હાલનાં સમયમાં અકસ્માતો રોજિંદી ઘટનાઓ બની ગઈ છે ! પાછલાં વર્ષોમાં અકસ્માતોની સંખ્યા પણ બેસુમાર વધી છે. જેની સાથેસાથે ઈજાગ્રસ્તોની તથા મોતની સંખ્યા પણ રાક્ષસી બની રહી છે ! નવાઈની વાત એ છે કે, હાઈવે પર તો સમજ્યા, શહેરોમાં પણ અકસ્માતો મોટી સંખ્યામાં થતાં રહે છે. ટ્રાફિક નિયમન શહેર હોય કે હાઈવે, ક્યાંય યોગ્ય રીતે થતું નથી. અને, ખુદ વાહનચાલકોની બેદરકારીઓ પણ વધતી જતી દેખાઈ રહી છે ! મોતનો જાણે કે કોઈને કશો ભય નથી ! અકસ્માતો અટકાવવા જેમ અસરકારક કામ થતું નથી એમ જ અકસ્માતોની ફરિયાદ અને તપાસમાં પણ અસરકારકતા જોવા મળતી નથી. આ ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારની બોલબાલા છે ! જેમાં સૌ કોઈ ભાગીદાર હોય છે. અને તેથી અકસ્માતોની નોંધ પણ યોગ્ય રીતે થતી નથી. ફરિયાદોમાં ડિટેઈલ નથી હોતી. ઘણાં કિસ્સાઓમાં તો વાહનનંબર સુધ્ધાં ગૂમ કરી દેવામાં આવે છે. પોલીસચોપડે નોંધાતી ફરિયાદો મોટેભાગે ચીલાચાલુ હોય છે.
અકસ્માતોની ફરિયાદોમાં ડિટેઈલ નથી હોતી એ જેમ ખરૂં છે એમ જ, અકસ્માતોની તપાસમાં પણ કાં તો વેઠ ઉતારવામાં આવે છે અથવા લાગતાં વળગતા લોકો સેટિંગ કરી, આખા કેસને રફેદફે કરી નાંખતા હોય છે. અને, વીમા કલેઈમનાં કારણોસર અકસ્માતોની ખોટી ફરિયાદો પણ પુષ્કળ થતી રહેતી હોય છે. અકસ્માતની ફરિયાદ વિગતવાર નોંધવામાં આવતી ન હોય ખાસ કરીને ભોગ બનનાર પક્ષને પુષ્કળ સહન કરવું પડી રહ્યું છે. આ ઉપરાંત જેઓની ભૂલ અથવા બેદરકારી હોય છે તેઓ બચી જતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં તંત્રોની ક્ષતિઓ પણ ઢંકાઈ જતી હોય છે – દાખલા તરીકે માર્ગની ખોટી ડિઝાઈન અથવા વાહનોની ક્ષતિઓ વગેરે બાબતો દબાઈ જાય છે. આ ઉપરાંત અકસ્માત અંગેનાં સર્વે અથવા એનાલિસિસ જેવાં કામોમાં પણ અડચણો ઉભી થતી હોય છે.
ભારત સરકારે અકસ્માતોની નોંધણી માટે એક સરસ પોર્ટલ બનાવ્યું છે. જેમાં ઘણી વિગતો ભરવાની હોય છે પરંતુ સ્થાનિક સ્તરે અકસ્માતોની નોંધ યોગ્ય રીતે થતી ન હોય આ પોર્ટલ પર નોંધાતા અકસ્માતોની વિગતો પણ યોગ્ય રીતે નોંધાતી નથી. ખરેખર તો આ માટે ટ્રાફિક પોલીસ સહિતની પોલીસને યોગ્ય તાલીમ આપવી આવશ્યક છે. અને સાથેસાથે ઉપરી અધિકારીઓએ, અકસ્માતની નોંધ પૂરી વિગતો સાથે થાય તે માટે નીચેનાં સ્ટાફ પર કડક વોચ પણ રાખવી જોઇએ. તાજેતરમાં અમદાવાદ ખાતે આવો એક પ્રયોગ અને પ્રયાસ થયો છે. અકસ્માત નોંધ માટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના કુલ 180 પોલીસકર્મીઓને આ સંદર્ભે તાલીમ આપવામાં આવી હતી અને યોગ્ય નોંધ માટે કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. અમદાવાદ પોલીસનું આ પગલું આવકારદાયક છે, જામનગર સહિતના શહેરોમાં પણ આ પ્રકારના પ્રયાસો આવશ્યક છે.






