Mysamachar.in:ગુજરાત
ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધી એવું હતું કે, ભારે વરસાદ દરમિયાન જળાશયોમાં 90 ટકા જળ સંગ્રહી લેવામાં આવતું. અને ત્યારબાદ જો વધુ વરસાદ થાય તો ડેમનાં દરવાજા ખોલી નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેડાવવા આયોજન કરવામાં આવતું. આ વખતે સરકારે ડેમ ભરવાની પોલિસીમાં ફેરફાર કર્યો હોવાનું સૂત્રો જણાવે છે.
હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જૂન મહિનામાં ડેમ 60 ટકા સુધી જ ભરવા, જૂલાઈ મહિનામાં 70 અને ઓગસ્ટ મહિનામાં ડેમમાં વધુમાં વધુ 80 ટકા પાણીનો સંગ્રહ કરવો તથા સપ્ટેમ્બર મહિનામાં ડેમમાં 90 અથવા 100 ટકા સુધીનું પાણી ભરવું. આ નિર્ણય એટલાં માટે થયો છે કે, ભારે વરસાદ સમયે જળાશયોમાંથી એકસાથે મોટા જથ્થામાં પાણી છોડવું ન પડે. નીચાણવાળા વિસ્તારોમાં નુકસાની અને ગંભીરતા અટકાવવા આ નિર્ણય થયો છે.
આ પોલિસીના અમલ દરમિયાન જો પાછોતરો વરસાદ ખેંચાય અથવા ન આવે તો, સૌની યોજના મારફતે ખાલી ડેમો ભરવાનું સરકારનું આયોજન હશે, એમ માનવામાં આવે છે.






