Mysamachar.in:ગુજરાત
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને ક્રમશઃ રાહતનો અહેસાસ થઈ રહ્યો છે. સંભવિત વાવાઝોડાની અસરો હાલારના આ બંને જિલ્લામાં ખાસ જોવા મળી રહી નથી. કારણ કે, હાલ દરિયામાં ઘૂમરાઈ રહેલું ચક્રવાત ધીમું પડયું છે. ચક્રવાતની ગતિ અડધાં કરતાં પણ ઓછી થવા પામી છે. આવતીકાલે સાંજે, કદાચ, આ ચક્રવાત કચ્છનાં જખૌ બંદરને ક્રોસ કરતી વખતે કચ્છમાં ખાનાખરાબી સર્જી શકે છે. જો કે હવામાન વિભાગે જણાવ્યું નથી કે, કચ્છમાં જ લેન્ડફોલ થશે.
દરિયાઈ ચક્રવાતની ગતિ ઘટી છે. અને આ ચક્રવાત ઉત્તર દિશામાં આગળ વધે છે. આ ચક્રવાતની ગતિ કાલે મંગળવારે સાંજે પ્રતિ કલાક 7 કિમી ની હતી. આજે સવારે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, ચક્રવાતની ગતિ ઘટીને પ્રતિ કલાક 3 કિમી થવા પામી છે. પાછલાં પાંચ-છ કલાકથી ગતિ ઘટી છે. આ ગતિ જો વધુ ઘટે તો સંભવ છે કે, આ ચક્રવાત દરિયામાં જ સમાઈ જાય. જો કે ભારતીય હવામાન વિભાગે આજે સવારે સવા નવ વાગ્યે જાહેર કર્યું છે કે, હાલમાં આ ચક્રવાત દેવભૂમિ દ્વારકા જિલ્લાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં 290 કિમી દૂર છે. કરાંચીથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ 340 કિમી દૂર છે. આ અંતર કાલે 410 કિમી હતું, જેનો અર્થ એ થાય કે, આ દરિયાઈ ચક્રવાત ઉત્તર દિશામાં કરાંચી તરફ આગળ વધી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગે વધુમાં આજે સવારે જણાવ્યું છે કે, આ દરિયાઈ ચક્રવાત હાલની દિશાથી જમણી બાજુએ આગળ વધશે તો, કચ્છનાં જખૌ બંદર અને પાકિસ્તાનના કરાંચી વચ્ચેનાં વિસ્તારમાં જઈ શકે છે. જો કે હવામાન વિભાગે એવી સ્પષ્ટતા કરી નથી કે, આ દરિયાઈ ચક્રવાત વાવાઝોડાંનાં રૂપમાં કચ્છમાં ત્રાટકશે. નિષ્ણાંતો કહે છે : આવતીકાલે કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. અત્રે એ પણ નોંધનીય છે કે, દરિયાઈ ચક્રવાતની ગતિ ઘટી જતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકિનારે સ્થિતિ થોડી હળવી બનવા પામી છે. અને જામનગર જિલ્લામાં સવારથી ક્યાંય પણ વરસાદ વરસ્યાના વાવડ નથી, ઉઘાડ નીકળ્યો છે અને સૂર્યનારાયણ દર્શન આપી રહ્યા છે.






