Mysamachar.in:ગુજરાત
જુદાં જુદાં પ્રકારનાં વીમાકવચમાં ઘણાં લોકો મૂંઝાતા અને અટવાતાં હોય છે. જીવન વીમા પોલિસીથી માંડીને અકસ્માત વીમા પોલિસી સહિતનાં સેંકડો પ્રકારના વીમાકવચ બજારમાં ઉપલબ્ધ છે. જે પૈકી મોટાભાગના મોંઘાદાટ છે. અને, શરતો પણ આકરી અને આંટીઘૂંટીવાળી હોય છે, જેને કારણે ઘણાં લોકો પરેશાન હોય છે. હવે દેશની વીમા નિયંત્રક સંસ્થા IRDA ખુદ એક નવી અને ટનાટન પોલિસી લાવી રહી છે. એમ માનવામાં આવે છે કે, આ વીમાપોલિસી એકદમ સસ્તી હશે. અને, મૃત્યુનાં કિસ્સામાં દાવાઓની પતાવટ માત્ર કલાકોમાં જ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આ પોલિસીમાં ગોઠવવામાં આવશે.
IRDA સાથે સંકળાયેલા સૂત્રો કહે છે : આ ઓલ ઈન વન વીમાપોલિસીમાં જીવન વીમો, મેડિકલ વીમો, નુકસાની વીમો અને અકસ્માત વીમા સહિતનાં તમામ પ્રકારના વીમાકવચ આવરી લેવામાં આવશે. આ વીમા પ્રોડક્ટની કિંમત પણ એકદમ સામાન્ય રાખવામાં આવશે જેથી દેશમાં દરેક નાગરિકને વીમો ખરીદવો પરવડે અને અલગ અલગ પ્રકારના વીમા ખરીદવાની ઝંઝટમાંથી લોકોને છૂટકારો મળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં વીમા પ્રોડક્ટસ ક્ષેત્રમાં બેફામ સ્પર્ધા ચાલી રહી છે. સેંકડો કંપનીઓ ગ્રાહકો શોધવા આકાશપાતાળ એક કરે છે. એ સ્થિતિમાં IRDA ની આ નવી વીમા પ્રોડક્ટ ઇન્સ્યુરન્સ સેક્ટરમાં તહેલકો મચાવી શકે છે. જાણકારો જો કે એમ પણ કહે છે કે, IRDA આ ઓલ ઈન વન વીમાકવચ માટે સરળ ફોર્મ અને સામાન્ય શરતો રાખશે તો દેશભરમાં કરોડો દેશવાસીઓ આ નવી પોલિસી પ્રત્યે આકર્ષાશે, કેમ કે દેશમાં આ ક્ષેત્રમાં વિકાસની ઉજળી તકો છે. કરોડો લોકો કયારેય વીમાકવચ ખરીદતાં જ નથી !






