Mysamachar.in:ગુજરાત
જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી – જીવન વીમા નિગમનું આ સૂત્ર ખૂબ જ ઉત્સાહ પ્રેરક છે. એમાં બેમત નથી. પરંતુ ખુદ LIC ની જિંદગી, તેની ચમક ઓછી થવા તરફ ગતિ કરી રહી હોય, પોલિસીધારકોમાં હતાશા દેખાઈ રહી છે ! વાત નવા પ્રીમિયમ આવક બિઝનેસની હોય કે પછી નિગમનાં એમકેપ રેન્કિંગની – LIC નું પ્રદર્શન નિરાશાજનક હોવાનું જાહેર થયેલાં આંકડાઓમાં દેખાઈ રહ્યું છે. એક અર્થમાં આ આંકડાઓ ગંભીર પણ લેખી શકાય. એલઆઈસી નાં નવા બિઝનેસ પ્રીમિયમની આવકમાં વાર્ષિક ધોરણે, એપ્રિલ મહિનામાં પચાસ ટકાનો ઘટાડો નોંધાયો છે !
બિઝનેસ ડેસ્કનો રિપોર્ટ જણાવે છે કે, વર્તમાન નાણાંકીય વર્ષનાં પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલમાં લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશનનાં નવા બિઝનેસ પેટેના પ્રીમિયમ મારફતેની આવકમાં વાર્ષિક ધોરણે 50 ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે ! 2022 નાં એપ્રિલની સરખામણીમાં વર્તમાન વર્ષનાં એપ્રિલ મહિનામાં નવા બિઝનેસ પેટેની પ્રીમિયમ મારફતેની આવક ઘટીને રૂ.5,810.10 કરોડ રહેવા પામી છે.
વર્તમાન નાણાંકીય વર્ષથી ઉંચા પ્રીમિયમ સાથેની જીવન વીમા પ્રોડક્ટસ પરનાં વેરાલાભ નાબૂદ કરવામાં આવ્યા હોય, તેની અસરો નવા વેપાર પર પડી રહી હોવાનું જાણવા મળે છે. સંપૂર્ણ જીવન વીમા ઉદ્યોગની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળે છે. જીવન વીમા પ્રોડક્ટસ એ કોઈ લકઝરી ન હોવાની વેપાર ઉદ્યોગની લાગણી અને એથી તેમાં વેરાલાભ આપવા જોઈએ એવી માંગણી છતાં વર્તમાન નાણાંકીય વર્ષથી વાર્ષિક રૂપિયા પાંચ લાખથી વધુની વીમા પ્રોડક્ટસ પર પાકતી મુદતે ટેક્સ વસૂલવાની દરખાસ્ત અમલમાં મૂકવામાં આવી છે.
ઉદ્યોગનાં સૂત્રો કહે છે, આ નવા ધોરણોને કારણે ઉંચી કિંમતની જીવન વીમા પ્રોડક્ટસ પ્રત્યેનાં આકર્ષણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે કોઈ નાણાં વર્ષનાં પ્રથમ મહિનાઓમાં જીવન વીમા પ્રોડક્ટસ પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય છે અને પછીનાં મહિનાઓમાં વેરાલાભો મેળવવા આ પ્રોડક્ટસની ખરીદી થતી હોય છે પરંતુ આ કિસ્સામાં, હવે પછીનાં મહિનાઓમાં પણ ઓછી ખરીદી જોવા મળી શકે છે એમ વર્તુળો જણાવે છે.
-લિસ્ટીંગ પછી LIC નું ચિત્ર…
લિસ્ટીંગનાં એક વર્ષ પછી LIC નાં શેરભાવમાં ચાલીસ ટકા જેવું ધોવાણ જોવા મળ્યું છે. રૂપિયા 949 નાં ભરણાંનાં ભાવથી LIC નો શેર હાલમાં રૂ.565 આસપાસ બોલાઈ રહ્યો છે. લિસ્ટીંગ પછી LIC Mcap રેન્કિંગમાં પાંચમા ક્રમેથી તેરમા ક્રમે ઉતરી ગયું છે. સરકાર હસ્તકની આ કંપનીનું સ્કોરકાર્ડ શેરબજારમાં તેનાં શેરનાં પ્રદર્શનના સંદર્ભમાં નિરાશાજનક રહ્યું છે. છેલ્લાં એક વર્ષમાં કંપનીનાં શેરમાં સેન્સેકસની સામે 54 ટકાનો ઘટાડો નોંધાયો છે.






