Mysamachar.in-ગુજરાત:
જેલમાં પ્રત્યેક કેદીને એક બિલાનંબર આપી દેવામાં આવે છે. જે યુનિક હોય છે અને જેલમાં તે કેદી બિલાનંબરથી જ ઓળખાય છે. હવે આર્થિક ગુનેગાર એટલે કે નાણાંકીય ગુનાઓ આચરનાર ચીટર સહિતના આરોપીઓ માટે પણ સરકાર એક યુનિક કોડ લાવી રહી છે. આ કોડ આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરી દેવામાં આવશે. જેની મદદથી આ ગુનેગાર વ્યક્તિ કે પેઢીની કુંડળીમાં આપોઆપ લાલ કુંડાળું ચિતરાઈ જશે.
આ યુનિક કોડ ‘યુનિક આર્થિક અપરાધી કોડ’ તરીકે ઓળખાશે. વ્યક્તિનાં કિસ્સામાં આધારકાર્ડ સાથે અને કંપની અથવા ઉદ્યોગનાં કિસ્સામાં તેને પાનકાર્ડ સાથે લિંક કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી સેન્ટ્રલ ઈકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો નામની એજન્સીએ આવો એક ડેટાબેઝ પણ તૈયાર કરી લીધો છે, જેમાં અંદાજે આવા અઢી લાખ આરોપીઓનો સમાવેશ થાય છે !
હાલમાં એવી વ્યવસ્થા છે કે, કોઈ આર્થિક ગુનેગાર વિરૂદ્ધ કોઈ એજન્સી તપાસ કરે, ચાર્જશીટ રજૂ કરે અને મામલો અદાલતમાં ચાલે. હવે આ ‘યુનિક આર્થિક અપરાધી કોડ’ નો ઉપયોગ કરીને સરકાર આ પ્રકારના ગુનેગારો સામે, એકસાથે ઘણી બધી એજન્સીઓ મારફતે તપાસ શરૂ કરાવી શકશે. સૂત્રો કહે છે : આ કોડ આલ્ફા ન્યૂમેરિક એટલે કે, અંગ્રેજી મૂળાક્ષર ઉપરાંત આંકડા પણ ધરાવતો હશે ( પાનકાર્ડની જેમ).
આ કોડ સિસ્ટમ જનરેટેડ હશે. એક વખત આ કોડ જનરેટ થઈ જાય પછી સ્થાનિક પોલીસથી માંડીને કોઈ પણ દરોડા એજન્સી, તપાસ એજન્સી – આ કોડ નેશનલ પોર્ટલ પર એન્ટર કરી, સંબંધિત આર્થિક ગુનેગારની કુંડળી જોઈ શકશે. આ માટે NEOR ( નેશનલ ઈકોનોમિક ઓફેન્સ રેકોર્ડ) નામનાં પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર વિજય માલ્યા, ચિદમ્બરમ્, મનિષ સિસોદિયા સહિતનાં હજારો આર્થિક ગુનેગારોને આ કોડથી જ ઓળખવામાં આવશે.
આ પોર્ટલ નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરની મદદથી બનાવવામાં આવ્યું છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ એજન્સીઓ સાથે લીંક કરેલું છે. જેથી કોઈ પણ એજન્સી આ પ્રકારના કિસ્સાઓમાં ગુનેગારો પર વોચ રાખી શકશે, તપાસ શરૂ કરી શકશે. આ પોર્ટલ સંપૂર્ણપણે સોફ્ટવેર આધારિત હોય, મેન્યુઅલી તેમાં, લગભગ, કોઈ અવરોધ સર્જી શકાશે નહીં. હાલમાં પ્રાયોગિક ધોરણે આ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. ચાર-છ મહિનામાં તે સંપૂર્ણ કાર્યરત્ થશે એમ સૂત્રો જણાવે છે.
અત્રે નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં એકબીજા દેશોની સરકારો એક પ્રકારનું જોડાણ ધરાવતી હોય છે જેનાં માધ્યમથી આ પ્રકારના આર્થિક અપરાધીઓની માહિતીની આપલે થતી હોય છે. આ કામગીરીમાં પણ ભારતનું આ NEOR પોર્ટલ મિત્ર દેશોને ઉપયોગી થશે. આગામી મહિનાઓમાં આ પ્રકારની બેઠકો વિવિધ દેશો વચ્ચે યોજાવા જઈ રહી છે. અને, આ પોર્ટલ દેશમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.






