Mysamachar.in:ગુજરાત
‘બેટી બચાવો’ અભિયાન ગુજરાતમાં ઘણાં વર્ષોથી, જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. આટલાં વર્ષોથી અભિયાન ચાલી રહ્યું છે એ એક અલગ મેટર છે. અને, પુરુષ – સ્ત્રી સંખ્યાનો રેશિયો એક અલગ મેટર છે ! ‘બેટી બચાવો’ સૂત્ર સાર્થક કરવા ગુજરાતમાં ઘણી મહેનત અને પ્રચાર થતો રહે છે. પરંતુ છોકરીઓનો જન્મદર અને છોકરાઓની સરખામણીએ છોકરીઓની સંખ્યા, આ આંકડા પણ જાણવા જરૂરી છે. કેન્દ્ર સરકારનો એક રિપોર્ટ કહે છે : ગુજરાતમાં દર 1,000 પુરૂષની સરખામણીએ 909 સ્ત્રીઓ નોંધાયેલી છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ-2020 નાં રિપોર્ટમાં આ મહત્વનાં આંકડા જાહેર થયાં છે. દેશનાં પૂર્વીય રાજય મણિપુરમાં દર એક હજાર પુરુષે 880 સ્ત્રીઓ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં દર એક હજાર પુરુષે 898 સ્ત્રીઓ છે. બસ, આ બે વિસ્તારો કરતાં ગુજરાતમાં સારી સ્થિતિ છે. બાકીનાં દેશભરના રાજ્યોમાં પુરૂષોની સરખામણીમાં, ગુજરાત કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે ! ટૂંકમાં, આ બાબતે ગુજરાત છેલ્લેથી ત્રીજા ક્રમે !!
રાજસ્થાનમાં દર એક હજાર પુરુષે 952 સ્ત્રીઓ, મધ્યપ્રદેશમાં 921 સ્ત્રીઓ. ગુજરાતમાં 909. 2018 માં ગુજરાતનો આ આંકડો 897 હતો, 2019 માં આ આંકડો 901 રહ્યો હતો. એ દ્રષ્ટિએ ક્રમશઃ છોકરીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત આ બાબતમાં ઘણું પાછળ છે. મતલબ, ગુજરાતમાં ભ્રૂણહત્યા થઈ રહી છે ! એવું માની લેવું ?! અત્રે નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં ભ્રૂણહત્યા રોકવા ઘણાં તબીબોને સજાઓ થાય છે, જામનગર, ગુજરાતમાં આવું ક્યારેક જ, વર્ષો પછી એકાદવાર સાંભળવા મળે !!
ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 929 છે, જ્યારે શહેરોમાં આ સંખ્યા 901 છે, જેનાં પરથી શહેરીજનોની ચાલચલગત વિષે અનુમાન કરી શકાય. બોટાદ જિલ્લામાં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા માત્ર 870 છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ આંકડો 889 છે. મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાં આ આંકડો 898 છે. મહેસાણા શહેરમાં આ આંકડો 858 છે. સુરતનો આંકડો 865 છે. સમાજશાસ્ત્રીઓ કહે છે : સૌરાષ્ટ્રમાં પણ છોકરાઓની સરખામણીએ છોકરીઓની સંખ્યા ઘણી ઓછી છે. 2005 અને 2011 વચ્ચેનાં સમયગાળામાં ગુજરાતમાં ‘બેટી બચાવો’ સૂત્ર ખૂબ ગુંજતું હતું. ગાજતું પણ હતું. પાછલાં બારેક વર્ષથી લગભગ ક્યાંય, કશો ઉહાપોહ સાંભળવા મળતો નથી !






