Mysamachar.in:ગુજરાત
કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં વિદ્યાર્થીકાળ ખૂબ જ અગત્યનો હોય છે. આ સમય માણસની જિંદગીને આકાર અને દિશા આપતો હોય છે. પરંતુ ઘણાં કમનસીબ લોકો પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન કાળનો કોળિયો બની જાય છે ! દિશાશૂન્ય બની જતાં તેઓ આપઘાત કરી લેતાં હોય છે ! ગુજરાતમાં આ પ્રકારની આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક અને ગંભીર છે !! વર્ષ 2021 ની વાત કરીએ તો આ વર્ષમાં ગુજરાતમાં 622 વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો હતો ! જો કે તેઓનાં આપઘાત પાછળનાં કારણો ઘણાં બધાં અને અલગ અલગ હોય છે. પરંતુ વિદ્યાર્થીકાળમાં, જિંદગીની શરૂઆતમાં આપઘાત એક ગંભીર સમસ્યા બની રહી છે.
NCRBનાં એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન કુલ 3,002 છાત્રો તથા છાત્રાઓએ જિંદગી ટૂંકાવી લીધી. એવું નથી કે, માત્ર શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. IIT તથા મેડિકલ કોલેજ જેવી પ્રીમિયર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ છાત્રો તથા છાત્રાઓ આપઘાત કરતાં હોય છે ! ઘણાં પ્રોફેસરો પણ આપઘાત કરી લેતાં હોય છે ! શિક્ષણની સાથે મજબૂત જિંદગીનાં પાઠો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ થવા જોઈએ, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થવું જોઈએ, એવું પણ ઘણાં જાણકારો માની રહ્યા છે.
આ રિપોર્ટ મુજબ, દેશમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન કુલ 56,013 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી ! ગંભીર બાબત એ છે કે, દર વર્ષે આ પ્રકારની આત્મહત્યાઓનાં કિસ્સાઓ વધતાં જાય છે ! વિદ્યાર્થીઓ વધુ મૂંઝાઈ રહ્યા છે ! બીજી તરફ આપણે એ પણ જાણીએ છીએ કે, ડિગ્રી મેળવી લીધાં પછી પણ, એ શિક્ષિત યુવક અથવા યુવતીને રોજગારી મળી જ જાય એવું નિશ્ચિત પણ નથી હોતું ! બેરોજગારી પણ ચરમસીમાએ છે !
રિપોર્ટ કહે છે : વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓમાં આપઘાતનું વલણ પેદાં થવા પાછળ વિવિધ કારણો હોય છે. અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, રોજગારની ઘટતી અને મુશ્કેલ તકો, શૈક્ષણિક સંસ્થાઓનું અયોગ્ય વાતાવરણ, પ્રેમમાં નિષ્ફળતા, ગરીબાઈ, બિમારી, એકલતા, શિક્ષણમાં સ્પર્ધાને કારણે પેદાં થતી નિરાશા જેવા વિવિધ કારણોસર છાત્રો તથા છાત્રાઓ આપઘાત કરી લેતાં હોય છે ! શિક્ષણમાં લાગવગ, ભ્રષ્ટાચાર તથા નાણાંનું જોર અને રેગિંગ જેવી બદીઓ પણ ખાસ્સાં પ્રમાણમાં જોવા મળે છે !






