Mysamachar.in:ગુજરાત
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં લોકોને રાશનકાર્ડ પર અનાજ આપવામાં આવે છે. આ અનાજની ગુણવત્તા અંગે અવારનવાર હોબાળા મચતા રહે છે. જો કે, સ્થાનિક સ્તરે આ પ્રકારની ફરિયાદો અને રજૂઆતો સંબંધે ખાસ કોઈ કામગીરી થતી નથી એટલું જ નહીં, સ્થાનિક તંત્રો સબ સલામતનાં ગુણગાન પણ ગાતાં રહે છે ! અને, જનપ્રતિનિધિઓ જાણે કે આ વિષયને અછૂત માને છે એવી સ્થિતિ જોવા મળતી રહે છે ! પરંતુ સરકારનો ખુદનો એક રિપોર્ટ હકીકતો જણાવી રહ્યો છે.
લોકસભામાં આ રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગુજરાતભરમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની દુકાનોમાંથી અંદાજે 800 સેમ્પલ એવાં મળી આવ્યા છે જે દર્શાવે છે કે, લોકોને આપવામાં આવેલું આ અનાજ ઉતરતી ગુણવત્તા ધરાવે છે. ગુજરાત સરકારનાં એક ઉચ્ચ અધિકારીએ એમ પણ કબૂલ્યું છે કે, કેટલાંક નમૂનાઓમાં માલૂમ પડયું છે કે, ભેળસેળ પણ થઈ છે !
માત્ર ગુજરાતમાં જ આવુ નથી બન્યું. દેશભરમાં આમ બન્યું છે. હજારો સેમ્પલ પરથી સ્પષ્ટ થાય છે કે, લોકોને રાશનકાર્ડ પર આપવામાં આવેલું અનાજ સારૂં ન હતું ! આ બધું જ એ રિપોર્ટમાં છે – જે રિપોર્ટ સરકારે લોકસભા સમક્ષ રજૂ કર્યો છે ! કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ રિપોર્ટ લોકસભા સમક્ષ રજૂ કર્યો હતો. અન્ય રાજ્યોમાં પણ હજારો સેમ્પલ એવાં મળી આવ્યા છે જે દર્શાવે છે કે, અનાજની ગુણવત્તા ઉતરતી કક્ષાની છે. ઉત્તરપ્રદેશમાં આવા સેમ્પલની સંખ્યા 13,152 છે. તામિલનાડુમાં 3,778 – મધ્યપ્રદેશમાં 2,900 – રાજસ્થાનમાં 2,891 અને મહારાષ્ટ્રમાં આ પ્રકારના સેમ્પલ 1,454 મળી આવ્યા છે. આ તમામ સેમ્પલ રાશનકાર્ડની અમુક જ દુકાનોએથી લેવામાં આવ્યા હોય છે.