Mysamachar.in:ગુજરાત
‘આરોગ્ય સેતુ’ એપનું નામ લગભગ બધાં જ લોકોએ સાંભળ્યું છે. કારણ કે, આ એપ કોરોનાકાળ વખતે બહુ ચર્ચામાં રહી હતી. એપને લઈને વિવાદો પણ સર્જાયેલા. એપ અંગે ફરિયાદો પણ દાખલ થયેલી. ઘણાં નાગરિકો પર તંત્ર ઘોડોઘોડો થતાં અને મોબાઈલમાં આ એપ ધરાર ડાઉનલોડ પણ કરાવતાં. એપમાં સંગ્રહિત થતાં ડેટાના દુરૂપયોગ અંગે વ્યાપક શંકાઓ પણ થતી હતી. પરંતુ હાલ બહુ ઓછાં લોકો જાણતાં હશે કે, આ એપનું છેલ્લે શું થયું ?! આ એપ હાલ ડેડ બનાવી દેવામાં આવી છે. આ એપમાં જેતે સમયે ડેટા સંગ્રહ કરવામાં આવેલો, તે તમામ ડેટાનો નાશ કરી દેવામાં આવ્યો છે, એવું જાહેર થયું છે. આ ડેટાનો કોઈએ, ક્યાંય દુરૂપયોગ કર્યો કે કેમ ?! શું દુરૂપયોગ થયો ?! વગેરે પ્રશ્નો આજની તારીખે અનુત્તર છે ! આ એપ વિરૂધ્ધના બે કેસ પણ આજની તારીખે હજુ પડતર છે !
કોરોનાકાળ દરમિયાન સરકારે આ એપ લોન્ચ કરી ત્યારે, સરકારી સ્તરે આ એપનો પ્રચાર પણ રાતદિવસ થતો. મીડિયામાં એપ અંગે વધુ પડતાં પ્રમાણમાં સમાચારોનું કવરેજ પણ થતું. પછી, સૌ આ એપ ભૂલી ગયા છે. જેતે સમયે આ મોબાઇલ એપ્લિકેશન કોરોના થયેલાં લોકોને જાણકારી આપવા, કોરોના સંક્રમિત દર્દીઓનો ડેટા સંગ્રહિત કરવા તથા રસીકરણ કાર્યક્રમના અમલીકરણ દરમિયાન આ એપનો ભરપૂર ઉપયોગ થયો હતો.
છેલ્લે આ એપ્લિકેશન સંબંધે એવું જાહેર થયું છે કે, આ એપને ડેડ કરી દેવામાં આવી છે. એપનો સંપૂર્ણ ડેટા નાશ કરી દેવામાં આવ્યો છે. ડેટાનો કોઈ દુરૂપયોગ થયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જેતે સમયે આ એપમાં વપરાશકારના મોબાઈલ નંબર તથા આધારકાર્ડ નંબર પણ દાખલ કરવામાં આવેલાં. સરકારે આ તમામ ડેટા ડિલીટ કર્યો છે. અને, આ ફીચર નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ માહિતી સંસદમાં મૂકી છે.






