Mysamachar.in:ગુજરાત
જામનગર સહિત રાજ્યભરમાં તથા દેશભરમાં સાયબર ક્રાઇમ અંગે ઘણી ચર્ચાઓ થતી રહે છે અને સમાચારો પણ બનતાં રહે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું છે કે, સરકારે ક્રાઈમ નિયંત્રણ સંદર્ભમાં નાણાંકીય સહાય આપી છે. એક એવો રિપોર્ટ જાહેર થયો છે કે, સાયબર ક્રાઇમ ઘટાડવા માટે તથા સાયબર અપરાધીઓ પર ગાળિયો કસવા કેન્દ્ર સરકાર એક માસ્ટર પ્લાન બનાવી રહી છે. આ માટે સરકારે રૂ.99.88 કરોડની નાણાંકીય જોગવાઈ કરી છે. એમ આ માસ્ટર પ્લાનની વિગતોમાં જણાવવામાં આવ્યું છે. દેશ અને દુનિયામાં ટેક્નોલોજીના વધતાં વ્યાપને કારણે તથા ડિજિટાઈઝેશન વધી રહ્યું હોય, સાયબર ક્રાઇમનું દૂષણ જેટગતિએ વધી રહ્યું છે. જેને કારણે સરકારોએ આ મુદ્દે વધુ ચુસ્તી દાખવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાયબર ક્રાઇમથી સૌથી વધુ પ્રભાવિત હોય તેવાં દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
ગૃહમંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે, મહિલાઓ અને બાળકો સાથે સંબંધિત સાયબર ક્રાઇમને ડામવા માટે સરકાર દ્વારા ઘણાં પગલાં ભરવામાં આવ્યા છે. દરેક રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફોરેન્સિક કમ ટ્રેનિંગ લેબની સ્થાપના, જૂનિયર સાયબર કાઉન્સિલરની નિમણૂંક, દરોડા એજન્સીઓ, સરકારી વકીલો અને ન્યાયિક અધિકારીઓની ક્ષમતાના નિર્માણ માટે રૂ.99.98 કરોડની ફાળવણી વગેરે પગલાંઓ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે એમ સરકારે લોકસભામાં જણાવ્યું. અત્રે એ પણ નોંધનીય છે કે, સરકારે આ સાથે એમ જણાવ્યું હતું કે- ક્રાઈમ નિયંત્રણ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશો નો વિષય છે. સરકારે કહ્યું, દરેક રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસદળ પૂરતાં પ્રમાણમાં અને સજ્જ હોવું જોઈએ. પોલીસ વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ટેકનોલોજી અને માનવબળ વગેરે જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે.






