Mysamachar.in:ગુજરાત
અંડરટ્રાયલ કેદીઓના સેંકડો કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે, જામીનમુક્તિનાં આદેશ પછી પણ નિર્ધારિત શરતોનું પાલન ન થવાને કારણે આ પ્રકારના લાખો કેદીઓ જેલવાસ ભોગવવા મજબૂર હોય છે. આ પ્રકારના કેદીઓની તુરંત મુક્તિ માટે સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આ પ્રકારના કેદીઓની મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને સુપ્રિમ કોર્ટે જામીન માટેનાં નિયમો બનાવવા અંગે સુઓમોટો લઈ આ નિર્દેશો જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ આ પ્રકારના કેદીઓની મુશ્કેલીઓ અંગે પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ આ નિર્ણય થયો છે.
રાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટનાં સમારોહમાં જણાવ્યું હતું કે, અસંખ્ય કેદીઓ એવા હોય છે જેઓ જામીનમુક્તિ પછી પણ જરૂરી નાણાં ભરી ન શકવાને કારણે જેલમાંથી બહાર આવી શકતા નથી. આ અંગે સરકારે કાંઈક કરવું જોઈએ. આ સૂચન બાદ સુપ્રિમ કોર્ટે રિપોર્ટ મંગાવી, આ દિશાનિર્દેશો જાહેર કર્યા છે. સુપ્રિમ કોર્ટ જણાવ્યું છે કે, જે કેદી અથવા દોષિતને જામીન મુક્તિ આપવામાં આવી હોય તે કેદીને બીજે જ દિવસે જેલ સત્તાવાળાઓએ મુક્તિના આદેશની સોફ્ટ કોપી ઈ-મેઈલ મારફતે આપવાની રહેશે. આ સાથે જ જેલ સુપ્રિટેન્ડેન્ટે તે કેદીની મુકતિની તારીખ ઈ-જેલ સોફ્ટવેર કે અન્ય સોફ્ટવેરમાં દાખલ કરવાની રહેશે.
જે કિસ્સામાં જામીનમુક્તિ પછીનાં સાત દિવસ પછી પણ જો કેદીની મુક્તિ થઈ શકી ન હોય, તો જેલ સુપ્રિટેન્ડેન્ટ DLSAનાં સચિવને સૂચના આપશે કે, તે કેદીની મુક્તિ માટે શક્ય તમામ પ્રયાસો કરવા સચિવ પેરા લિગલ વોલન્ટીયર કે જેલ વિઝીટીંગ એડવોકેટની નિમણૂંક કરી શકશે. NIC ઈ-જેલ સોફ્ટવેરમાં જરૂરી ફિલ્ડ બનાવશે. જેથી જામીન અને મુક્તિની તારીખો સોફ્ટવેરમાં એન્ટર કરી શકાય. જો કેદીની મુક્તિ સાત દિવસમાં ન થાય તો, DLSAનાં સચિવને તે અંગેનો ઈ-મેઈલ ઓટોમેટિક પ્રાપ્ત થાય, તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ પ્રકારના આરોપીઓની આર્થિક સ્થિતિ જાણવા સચિવ મદદ લઇ શકશે. જેથી કોર્ટમાં કેદીને મુક્તિ માટે રજૂ કરતી વખતે રાહતનાં સંદર્ભે આ સચિવ અદાલતને કેદીની આર્થિક અને સામાજિક સ્થિતિ અંગે જણાવી શકે.
અંડરટ્રાયલ કેદી અથવા દોષિત જો મુક્તિ માટે બોન્ડ અથવા જામીન આપી શકે છે તો તે કેદીને વિશેષ મુદ્ત માટે અસ્થાયી જામીન આપવા વિચાર કરી શકાય છે. જો જામીન અપાયાની તારીખ પછી એક મહિનાની અંદર કેદીની મુક્તિ થઈ શકી ન હોય તો, કોર્ટ જાતે આ પ્રકારના કિસ્સામાં વિચાર કરી શકશે કે – આ કેસમાં જામીનની શરતોમાં સુધારા કે છૂટની જરૂરિયાત છે કે કેમ ? ઘણાં કિસ્સાઓમાં સ્થાનિક જામીનનો આગ્રહ રાખવામાં આવતો હોય છે જેને કારણે ઘણાં કેદીઓની મુકિત શકય બનતી હોતી નથી. આથી સલાહ આપવામાં આવી છે કે, આવા કિસ્સાઓમાં સ્થાનિક જામીનનો આગ્રહ રાખવામાં ન આવે.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય ઓકની બેન્ચે આ આદેશમાં કહ્યું છે કે, ભારત સરકારે NALSA (રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ)ની સાથે ચર્ચા કરવી જોઈએ કે, NALSA અને DLSAના સચિવને ઈ-જેલ પોર્ટલ સુધી પહોંચ પ્રદાન કરવામાં આવે કે નહીં ? કેન્દ્ર સરકારે કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, આ મંજૂરી આપવામાં કોઈ સમસ્યા નહીં રહે. જો કે તેઓએ એમ જણાવ્યું હતું કે, આ અંગે તેઓ અદાલતનો નિર્દેશ માંગશે અને આગામી સુનાવણીમાં કોર્ટને જણાવશે. સુપ્રિમ કોર્ટે આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીએ નિર્ધારિત કરી છે.